શિકારી ખુદ થઇ ગયો શિકાર! વીજતાર પર બેઠેલા શિકારને પકડવા જતા દીપડી પોતે જ ભડથું થઈ ગઈ

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
શિકારી ખુદ થઇ ગયો શિકાર!  વીજતાર પર બેઠેલા શિકારને પકડવા જતા દીપડી પોતે જ ભડથું થઈ ગઈ 1 - image


Junagadh News : જૂનાગઢ નજીક આવેલા ખડીયા ગામની સીમમાં એક દીપડી વીજતાર પર બેઠેલા મોરનો શિકાર કરવાનો પ્રયાસ કરવા જતાં વીજતારમાં અડી જતા ત્યાં ભડથું થઇ ગઇ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વનતંત્રએ ઘટના સ્થળે જઈ દીપડીના મૃતદેહ ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે.

અવારનવાર વન્ય પ્રાણીઓ વીજ શોકના કારણે મોતને ભેટવાની ઘટનાઓ બની રહી છે, જેમાં શિકાર માટેનો પ્રયાસ કરવા જતા વન્ય પ્રાણીઓના મોત થયા હોય તેવી ઘટના પણ અગાઉ બની છે. જૂનાગઢ બિલખા રોડ પર ખડીયા ગામના ખેતરમાં ટ્રાન્સફોર્મરવાળા વીજ પોલ પર વહેલી સવારના દિપડી મૃત હાલતમાં તાર પર લટકતી હોવાની સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બાદમાં વન વિભાગનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

જે વીજતાર પર દીપડી મૃત હાલતમાં લટકતી હતી તેની બાજુમાં જ ઘટાદાર વૃક્ષ આવેલું છે. વન તંત્રનું અનુમાન છે કે  છુપાઈને વૃક્ષ પર ચડી ગયેલી દીપડીએ વીજ તાર પર બેઠેલા મોરનો શિકાર કરવા માટે વૃક્ષ પરથી છલાંગ મારી પરંતુ મોર ત્યાંથી ઉડી ગયો અને દિપડી વીજતારમાં ચોંટી ગઈ હશે. હાલ બનાવ સ્થળેથી માત્ર દીપડીનો જ મૃતદેહ મળ્યો છે.

દીપડીના મૃતદેહને વીજતાર પરથી નીચે ઉતારી પીએમ માટે જૂનાગઢના સકરબાગ ઝૂ ખાતે ખસેડવામાં આવી હતી. દીપડીના મોતનું કારણ વીજશોક હોવાનું રિપોર્ટમાં પણ સામે આવ્યું છે. ત્રણથી ચાર વર્ષની માદા દીપડીએ શિકાર માટેનો પ્રયાસ કરતા જીવ ગુમાવવાની ઘટના બનતા વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News