થાન પાલીકાની ચૂંટણી પહેલા નારાજ સિરામિક ઉદ્યોગકારોને મનાવવા નેતાઓ મેદાનમાં
- પ્રાથમિક સુવિધાઓ પુરી ન પાડતા ઉદ્યોગકારોમાં રોષ
- આજે કેબીનેટ મંત્રી સહિત સ્થાનીક, રાજકીય આગેવાનો સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક કરશે
સુરેન્દ્રનગર : થાન નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ થાનના સિરામિક ઉદ્યોગકારોમાં વિવિધ પ્રશ્નોને લઈ નારાજગી જોવા મળી રહી છે. જેને ધ્યાને લઈ ભાજપના નેતાઓ સહિત સ્થાનિક આગેવાનો દ્વારા આજે સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક યોજી પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
થાન નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે પરંતુ થાનના સિરામિક ઉદ્યોગકારોમાં વિવિધ પ્રશ્નોેને લઈ ભાજપ સહિતના રાજકીય પક્ષો સામે નારાજગી જોવા મળી રહી છે. ટ્રાન્સપોર્ટેશન માટે પાકા રોડ-રસ્તા, ઔદ્યોગિક ગેસમાં સમયાંતરે ભાવ વધારો સહિતના વિવિધ પ્રશ્નોને લઈ સ્થાનીક પાલિકા તંત્ર તેમજ સરકાર તેનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ નિવડી છે તેમ સિરામિક ઉદ્યોગકારો જણાવી રહ્યાં છે. બિસ્માર રસ્તાના કારણે માલના વહન દરમિયાન તૈયાર માલ તુટી જતા નુકસાની ભોગવવી પડે છે. આ ઉપરાંત પાલિકા તંત્ર દ્વારા સિરામિક ઉદ્યોગકારોને પીવાનું પાણી પણ પુરૂ પાડવામાં આવતું નથી. આ તમામ પ્રશ્નોને લઇ સિરામિક ઉદ્યોગકારોમાં રોષ છે અને તેની અસર ચૂંટણી પર પડશે તેમ લાગી રહ્યું છે. સિરામિક ઉદ્યોગકારોને મનાવવા માટે આજે કેબીનેટ મંત્રી, પૂર્વ કેબીનેટ મંત્રી સહિત સ્થાનિક સાંસદ, ધારાસભ્યો સહિતનાઓ મુલાકાત લેશે અને બાંધ બારણે સિરામીક ઉદ્યોગકારો સાથે બેઠક યોજી પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરશે જેને લઈ અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે.