જામનગરના સપડા ગામના આગેવાનને ગ્રામ પંચાયતની ચૂંટણી લડશે તો પતાવી નાખવાની ધમકી અપાતાં પોલીસ ફરિયાદ
Jamnagar Death Threat : જામનગર તાલુકાના સપડા ગામમાં રહેતા એક આગેવાનને આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરશે તો તેને પતાવી દેવાની ટેલીફોનિક ધમકી અપાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સપડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા નિલેશસિંહ જેસંગજી કંચવા (ઉ.વ.49) કે જેઓ પોતે ગામના આગેવાન છે, તેના અનુસંધાને પોતાના ગામમાં પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી રીપેરીંગ કરાવી રહ્યા હતા.
જે દરમિયાન તેઓને સપડા ગામના દિલીપસિંહ ગગુભા જાડેજા નામના શખ્સે મોબાઇલ ફોનમાં ધાકધમકી આપી હતી, અને આ મારું કામ છે. તેમાં તમે વચ્ચે પડતા નહીં, તેમ કહી ધમકી આપી હતી. આ ઉપરાંત આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી માં જો ઉમેદવારી કરશો, તો પતાવી નાખીશ તેવી પણ ધમકી ઉચ્ચારી હોવાથી મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેને પોલીસ શોધી રહી છે.