લાલપુર પાસે દેશી દારૂના કટીંગ સમયે એલસીબીની ટુકડી ત્રાટકતાં નાશભાગ : રૂ.14.70 લાખનો મુદ્દામાલ કબજે
Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે દેશી દારૂનું કટીંગ થઈ રહ્યું હતું જે દરમિયાન એલસીબીની ટુકડી ત્રાટકી હતી અને નાશ ભાગ થઈ હતી. જે દરમિયાન એલસીબી ની ટુકડીએ એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે એક ટ્રક ચાલક સહિત અન્ય બે ભાગી છૂટ્યા છે. પોલીસે બનાવના સ્થળેથી દેશી દારૂનો વિશાળ જથ્થો, એક કાર અને ટ્રક સહિત રૂપિયા 14,700 ની માલમતા કબજે કરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે એક કાર અને ટ્રકમાં દેશી દારૂની હેરાફેરી અને કટીંગ થઈ રહ્યું છે. જે બાતમીના આધારે ગઈ રાત્રે દરોડો પાડ્યો હતો.
ઉપરોક્ત દરોડા દરમિયાન પોલીસે જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા સામત શીવાભાઈ રાજાણી નામના એક શખ્સ ની અટકાયત કરી લીધી હતી, જયારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલો નાઘેડી ગામનો કાનાભાઈ જીવાભાઈ મોઢવાડિયા તેમજ જી.જે.10 ઝેડ 9692 નંબરનો ટ્રક ચાલક પોલીસને જોઈને નાસી છૂટ્યા હોવાથી બંનેને ફરાર જાહેર કરાયા હતા.
પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા 15,000 ની કિંમતનો 1550 લીટર દેશી દારૂનો જથ્થો, દસ લાખ રૂપિયાની કિંમતનો જી.જે 10 ઝેડ 9692 નંબરનો ટ્રક તેમજ રૂપિયા દોઢ લાખની કિંમતની કાર અને મોબાઈલ ફોન સહિત રૂપિયા 14,70,000 ની માલમતા કબજે કરી છે. જે પકડાયેલા આરોપી સામે લાલપુર પોલીસ મથકમાં દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધવામાં આવી રહ્યો છે.