Get The App

જામનગરમાં ઓનલાઈન ઓર્ડર આપીને મુંબઈથી પાર્સલ મારફતે ઇંગ્લીશ દારૂ મંગાવાનું કારસ્તાન એલસીબીએ પકડી પાડ્યું

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ઓનલાઈન ઓર્ડર આપીને મુંબઈથી પાર્સલ મારફતે ઇંગ્લીશ દારૂ મંગાવાનું કારસ્તાન એલસીબીએ પકડી પાડ્યું 1 - image


Image Source: Freepik

જામનગર શહેરમાં દારૂના પ્યાસીઓ અલગ અલગ રીતે દારૂ મંગાવાના નુસખાઓ શોધી રહ્યા છે, જેની સામે એલસીબી ની ટુકડીએ પણ કમર કસી છે, અને મુંબઈથી ઓનલાઇન ઓર્ડર કરીને પાર્સલ મારફતે દારૂ મંગાવવાનું નેટવર્ક શોધી કાઢ્યું છે. જામનગર જુદી જુદી બે પાર્ટીઓ દ્વારા પાર્સલ મારફતે મંગાવેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો એલસીબીએ કબ્જે કરી લીધો છે, અને ત્રણ શખ્સોની અટકાયત કરી છે. જયારે દારૂ સપ્લાય કરનાર મૂળ જામનગરના અને હાલ ચાર વર્ષથી મુંબઈ રહેતા એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.

જામનગરમાં દિગ્વિજય શેરી નંબર 49માં રહેતો સાગર ઉર્ફે સાગરો હંસરાજભાઈ હુરબડા તેમજ રાજેશ ઉર્ફે રાજ જગદીશભાઈ લખીયાર કે જે બંને શખ્સો દ્વારા ઓનલાઈન ઓર્ડર કરીને પાર્સલ મારફતે મુંબઈથી ઇંગ્લીશ દારૂ મંગાવાનો કાસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે, તેવી ચોક્કસ બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.

હાલ મુંબઈ ના બોરીવલી વિસ્તારમાં રહેતો અને મૂળ જામનગર નો વતની હિરેન ઉર્ફે ધોરી કે જે જામનગર ના વ્યક્તિના સંપર્કમાં રહેતો હતો, અને તેની મદદથી ઓનલાઇન ઓર્ડર કરીને ઇંગલિશ દારૂ પાર્સલ મારફતે આયાત કરવામાં આવતો હતો. જે પૈકીનું એક પાર્સલ ગઈકાલે કુરિયર મારફતે હાપા સુધી પહોંચી ગયું હતું, અને સાગર તેમજ રાજેશ ગઈકાલે રાત્રે હાપા વિસ્તારમાં ઉપરોક્ત પાર્સલ મેળવવા માટે ગયા હતા, અને ઓટીપી ના નંબર ના આધારે કુરિયર મારફતે આવેલું પાર્સલ મેળવીને જામનગર શહેરમાં લાવવાનો પ્રયત્ન કરે તે પહેલા એલસીબી ની ટુકડી એ બંનેને દબોચી લીધા હતા.

તેઓ પાસે અન્ય માલ સામાનની જેમ પેક કરાયેલું દારૂનું પાર્સલ, કે જેના પર અલગ અલગ ટેપ વગેરે મારેલી હતી, તે શીલ ખોલીને ચકાસણી કરતાં પાર્સલ ની અંદરથી પ્લાસ્ટિકની 74 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા 42 હજારની દારૂને લગતી સામગ્રી કબજે કરી લીધી હતી, અને સાગર તેમજ રાજેશ ની દારૂબંધી ભંગ બદલ અટકાયત કરી લઇ તેઓ સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે, જયારે મુંબઈના હિરેન ઉર્ફ ધોરીને આ પ્રકરણમાં ફરારી જાહેર કરાયો છે.

આવું જ એક પાર્સલ જામનગરના હિરેન અમૃતલાલ ગોરી અને તેના સાથીદાર હરીશ કિશોરભાઈ ચૌહાણ વગેરે દ્વારા મંગાવાયું હોવાનું એલસીબી ની ટીમને ધ્યાનમાં આવ્યું હતું. જે પાર્સલ જામનગર સુધી પહોંચી ગયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને એલસીબી ની ટીમે ઇંગલિશ દારૂની ૨૭ બોટલ સાથેનું પાર્સલ હિરેન અમૃતલાલ ગોરી પાસેથી કબજે કરી લીધું હતું, અને તેની અટકાયત કરી લઈ તેની સામે પણ દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે, જ્યારે આ પ્રકરણમાં હરીશ કિશોરભાઈ ચૌહાણને ફરારી જાહેર કરાયો છે.


Google NewsGoogle News