વાવોલમાં વકીલના ઘરના તાળા તોડી ૯.૬૧ લાખની મત્તાની ચોરી
ગાંધીનગર જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત
પરિવાર મકાન બંધ કરીને રખિયાલ બહેનના ઘરે ગયો હતો તે દરમિયાન તસ્કરોનો હાથફેરો ઃ પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ન્યુ વાવોલમાં આંગન રેસીડેન્સી ખાતે રહેતા વકીલના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૯.૬૧ લાખ રૃપિયાની મતા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
શિયાળાની ઠંડીમાં ગાંધીનગરમાં ઘરફોડ ચોરી ચોરીના બનાવો વધી
જતા હોય છે ત્યારે એક દિવસ અગાઉ જ રાંધેજામાં બે બંધ મકાનના તાળા તોડીને ૧૫ લાખની
મત્તા ચોરી લેવામાં આવી હોવાની ઘટના બહાર આવી હતી ત્યારે આ વખતે શહેર નજીક આવેલા
ન્યુ વાવોલમાં આંગન રેસીડેન્સી ખાતે રહેતા અને ગાંધીનગર કોર્ટમાં વકીલ તરીકે કામ
કરતા મોસીન લાલભાઈ મન્સૂરીના બંધ મકાનનું તાળું તોડીને ચોરી કરવામાં આવી હોવાની
ઘટના બહાર આવી છે. આ ઘટના અંગે મોસીનભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૨૫ ડિસેમ્બરે
તેમની માતા બે બાળકો સાથે અમદાવાદ રખિયાલ ખાતે રહેતા બેનના ઘરે ગયા હતા અને બીજા
દિવસે એટલે કે ૨૬મીએ મોસીનભાઈ પણ ઘરને તાળું મારીને બહેનના ઘરે ગયા હતા. બીજા
દિવસે તેઓ કુડાસણ ખાતે તેમના બીજા મકાને હાજર હતા તે દરમિયાન પાડોશમાં રહેતા મહિલા
દ્વારા તેમની માતાને જાણ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે તમારા બંધ ઘરના
દરવાજાની લોખંડની જાળી ખુલ્લી છે જેથી મોહસીનભાઈ તુરંત જ ઘરે પહોંચ્યા હતા અને
ઘરમાં તપાસ કરતા મુખ્ય દરવાજાના ઇન્ટરલોક તૂટેલી હાલતમાં હતું તેમજ ઘરમાં સામાન પણ
વેર વિખેર હાલતમાં હતો ત્યારે કબાટમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ
મળીને ૯.૬૧ લાખ રૃપિયાની મત્તા ચોરાઈ હોવાના બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે
સેક્ટર ૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો
દાખલ કરીને તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી.