Get The App

સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવાશે : મુખ્યમંત્રીની જાહેરાત

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવાશે : મુખ્યમંત્રીની જાહેરાત 1 - image


Surat Economic Region : ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના 'ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. લોન્ચીંગ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું રાજ્યમાં ભૂતકાળમાં વારસામાં મળેલા સીમિત સંસાધનોને અમે વિકાસના સ્રોતમાં પરિવર્તિત કર્યા છે. ભારત સરકારે  સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવવાનું આગવું આયોજન કરવામાં આવ્યું છે. 

સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ 6 જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી 'ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન'નું સુરતથી લોન્ચીંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના છ જિલ્લાઓના ઈકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે.  

સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવાશે : મુખ્યમંત્રીની જાહેરાત 2 - image

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત @ 2047 હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં 3.5 ટ્રિલીયન ડોલર બનાવવાનું અને 34 લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે.   નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે, ત્યારે આ પ્લાન 'વિકસિત ગુજરાત થી વિકસિત ભારત'નો લક્ષ્યાંક સિદ્ધ કરશે

મુખ્યમંત્રીએ કહ્યું હતું, 1960 પછીના દાયકાઓ સુધી ગુજરાતના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના બેલ્ટ સુધી સીમિત રહી હતી. દરિયો, રણ, ડુંગરાઓ ધરાવતા ગુજરાતમાં એ સમયે વિકાસની કોઈ સંભાવના ન હતી. વીજળી, પાણી, રોડ-રસ્તા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કોઈ સ્થાન કે દિશા ન હતા, પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસની રફતાર પકડી છે. 2001 થી અઢી દાયકાનો વિકાસની મૂલવીએ તો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલ અને કેટલી ગતિનો હોય એનું પ્રમાણ ગુજરાતે આપ્યું છે.

સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવાશે : મુખ્યમંત્રીની જાહેરાત 3 - image

સુરત અને આસપાસના પાંચ જિલ્લામાં આર્થિક વિકાસની આગવી તકો રહેલી છે : બી.વી.આર. સુબ્રમણ્યમ

ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન વિષે વિસ્તૃત વિગતો આપતા નીતિ આયોગના સી.ઈ.ઓ. બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું કે, સુરત અને આસપાસના પાંચ જિલ્લામાં આર્થિક વિકાસની આગવી તકો રહેલી છે. સુરત આર્થિક ક્ષેત્ર પાસે સમતોલ વિકાસની પૂર્ણ ક્ષમતા અને લાયકાત છે. નીતિ આયોગ દ્વારા ગુજરાત સરકાર, સુરત સ્થાનિક પ્રશાસન સાથે મળીને ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં કેટલાક દિવસો નહીં, પરંતુ સતત એક વર્ષની મહેનત અને મંથન કરાયું છે.  

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત રિજીયનનો વિકાસ લંડનના વિકાસને પણ પાર કરી જશે. કોઈપણ શહેરના સર્વાંગી વિકાસ માટે ચાર માપદંડો- બેઝ લાઇનિંગ, ગ્રોથ ઇન્ડિકેટર્સ, સિટી લિવિંગ સ્ટાન્ડર્ડસ અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર; હોય છે, જે સુરત ક્ષેત્રમાં ભરપૂર જોવા મળે છે. વિકસિત ભારત@2047ના સંકલ્પને બળ આપતા ગુજરાત સરકારે દેશનું સૌપ્રથમ ડાઈનેમિક વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યું છે.

સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડને 'ગ્રોથ હબ' તરીકે વિકસાવાશે : મુખ્યમંત્રીની જાહેરાત 4 - image

મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવાની સુરતની ક્ષમતાને પણ માસ્ટર પ્લાનમાં સમાવવા જોઈએ : સી.આર પાટીલ 

સુરત અને સુરત રિજીયન વિકસિત બનાવવા માટે સૌના સાથ-સહયોગની અપેક્ષા વ્યક્ત કરતા પાટિલે અહીં મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવાની સુરતની ક્ષમતાને પણ માસ્ટર પ્લાનમાં સમાવવું રચનાત્મક સૂચન કર્યું હતું. સુરત શહેર અને રીજીયનમાં સાકાર થઈ રહેલા વર્લ્ડ ક્લાસ પ્રકલ્પો પણ તેમણે આ વેળા ખ્યાલ આપ્યો હતો.  

સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન છે : મુખ્ય સચીવ

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું કે, ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનના અમલીકરણ બાદ સુરત રિજીયનનો વિકાસ દર રાજ્યના ઓવરઓલ વિકાસ દર કરતાં પણ વધી જશે. સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથેના આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોને આધારે લેવામાં આવ્યો છે. પ્લાનમાં ઇકોનોમિક, સ્કીલ ટ્રેનીંગ, ડેરી-ફાર્મિંગ, ઈન્ડસ્ટ્રીયલ, આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર-જિલ્લા, ટાઉનની વિશેષતા, ભૌગોલિક પરિસ્થિતિ, ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રોને પણ આવરી લેવામાં આવ્યા છે.  

  વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને "ગ્રોથ હબ" તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે.


Google NewsGoogle News