આમ ભણશે ગુજરાત? લાઠીના શાખપુર ગામની શાળા જર્જરિત હાલતમાં, 168 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
Lathi Shakhpur Viallge School Condition : અમરેલીના લાઠી તાલુકાના શાખપુર ગામની કુમારશાળા જર્જરિત હાલતમાં છે. શાળાના રૂમમાં તીરાડો પડી ગઈ છે અને પોપડા પણ પડી રહ્યા છે. શાળામાં 168 બાળકો શિક્ષણ મેળવતા હોવાની જાણકારી મળી છે. ઘણા સમયથી શાળા જર્જરિત હોવા અંગે અનેક રજૂઆત છતા તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવતી નથી. સમગ્ર મામલે છેલ્લા પાંચ મહિનાથી ગ્રામજનો અને સરપંચે વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. શું તંત્ર કોઈ વિદ્યાર્થી સાથે અણબનાવ ઘટે તેની રાહ જોઈ રહ્યું છે?
શાળા જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના 6000 જેટલી વસતી ધરાવતા શાખપુર ગામે આવેલી કુમારશાળા જર્જરિત હાલતમાં છે. શાળામાં બાળ વાટિકાથી લઈને ધોરણ આઠના થઈને કુલ 168 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના કુલ નવ રૂમમાંથી છ રૂમ નળીયાના છે. ઘણા સમયથી આ નવ રૂમ કફોડી હાલતમાં છે. શાળાની હાલત એટલી ગંભીર છે કે, ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી રૂમમાં પડે છે. જ્યારે અમુક રૂમમાં તો દીવાલમાંથી પોપડા પડે છે.
શાળાની આવી હાલતને લઈને શાખપુર ગામના સરપંચ જસુભાઈ ખુમાણ દ્વારા ઘારાસભ્ય અને સાંસદ તેમજ શિક્ષણ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરી હતી અને શાળાની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈજ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. શું તંત્ર કોઈ વિદ્યાર્થી સાથે દુર્ઘટના સર્જાઈ એની રાહ જોઈ રહ્યું છે? જ્યારે ગ્રામજનોએ આ શાળા પાડીને નવી શાળા બનાવામાં આવે તેવી માગ કરી હતી.