રાજકોટના અગ્નિકાંડના છેલ્લા આરોપીની અંતે શરણાગતિ : આજે રિમાન્ડ મંગાશે

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
રાજકોટના અગ્નિકાંડના છેલ્લા આરોપીની અંતે શરણાગતિ : આજે રિમાન્ડ મંગાશે 1 - image


સિટની અત્યાર સુધીની તપાસ મુજબ  ટીઆરપી ગેમ ઝોનની જે જમીન હતી તેના માલિક તરીકે અશોકસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું

રાજકોટ, : બાળકો સહિત 27 જણાનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં વોન્ટેડ આરોપી અશોકસિંહ જગદિશસિંહ જાડેજા આજે સાંજે સિટના શરણે આવતાં ધરપકડ કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ એક માત્ર અશોકસિંહ જ હાલ આ ગુનામાં વોન્ટેડ હતા. 

જે જગ્યા ઉપર ગેરકાયદે રીતે ટીઆરપી ગેમ ઝોન બાંધવામાં આવ્યું હતું તેની માલીકી કિરીટસિંહ અને તેના ભાઈ અશોકસિંહની હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ બંને ભાઈઓને પણ આરોપી બનાવાયા હતા. જેમાંથી કિરીટસિંહની અગાઉ સિટે ધરપકડ કરી હતી. તપાસ અને રિમાન્ડના અંતે તેને જેલ હવાલે પણ કરી દેવાયા હતા. 

જયારે તેના ભાઈ અશોકસિંહ આજ સુધી વોન્ટેડ હતા. તેને પકડવા માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. જેના પગલે આજે સાંજે  સામેથી સિટના શરણે આવતા વીધિવત ધરપકડ કરી મેડિકલ માટે સિવિલમાં લઈ જવાયા હતા. આવતીકાલે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. 

સિટના સૂત્રોએ જણાવ્યું કે આરોપી અશોકસિંહની ઉંમર 64વર્ષ આસપાસ છે. 2021ની સાલથી તેને બરાબર દેખાતું નથી. સરખું સાંભળી શકતા નથી. સરખી રીતે ચાલી પણ શકતા નથી. 

અગ્નિકાંડ અંગે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ કુલ ૭ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. તપાસમાં પૂર્વ ટીપીઓ સાગઠીયા સહિત ચારના નામ ખુલ્યા હતા. આ રીતે આ અગિયાર આરોપીઓમાંથી કુલ નવ આરોપીઓની સિટે ધરપકડ કરી હતી. જયારે ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરનનો આગમાં ભોગ લેવાયો હતો. અગિયારમાં આરોપી તરીકે અશોકસિંહ આજ સુધી વોન્ટેડ હતા. આજે તેની પણ ધરપકડ થતાં જ અત્યાર સુધી જે-જે આરોપીઓના એફઆઈઆરમાં નામો હતા અને તપાસ દરમિયાન જે પણ આરોપીઓના નામો ખુલ્યા હતા તે તમામની હવે ધરપકડ થઈ ચુકી છે. 

મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે બોગસ મિનિટસ નોટ બનાવવા અંગે અલગથી ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે. આ ગુનામાં તેનો એક-બે દિવસમાં ક્રાઈમ બ્રાંચ જેલમાંથી કબજો લેશે. એટલું જ નહીં તેણે પોતાને બચાવવા માટે બોગસ મિનિટસ નોટસ સિવાયના બીજા કોઈ દસ્તાવેજો બનાવ્યા હતા કે કેમ તેની તપાસ માટે સિટે આજે મનપાની ટીપી શાખાના પોણો ડઝન જેટલા સ્ટાફની પુછપરછ કરી નિવેદનો નોંધ્યા હતા. 



Google NewsGoogle News