બાબરા પંથકમાં બિલ્ડિંગ મટિરિયલ ચૂનાના બેલાનું મોટા પાયે બેરોકટોક ખનન

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
બાબરા પંથકમાં બિલ્ડિંગ મટિરિયલ ચૂનાના બેલાનું મોટા પાયે બેરોકટોક ખનન 1 - image


દામનગરમાં ધારાસભ્યે રેડ પાડી જૂગારધામ પકડયું પણ ખનીજ માફિયાઓ માફ ! : લાલકા, ખંભાળા, અને સુખપુર ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતી ચકરડીઓ, લીઝ સિવાયના વિસ્તારમાં પણ ખોદકામથી રોકડી કરી લેતાં ખનીજ માફિયાઓ

બાબરા :  બાબરા પંથકમાં બિલ્ડિંગ મટિરિયલ ચુનાના પથ્થર અને બેલાનું બેરોકટોક ખનન થઈ રહ્યું છે. લીઝ ધારકો અધિકૃત લીઝ જમીન ઉપરાંતની જમીનમાં ખનન કરીને લાખો રૂપિયાના બેલાઓ કાઢીને બજારમાં ધકેલી દે છે છતાં તંત્ર કોઈ જ પગલા લેતું નથી. આ બેઠક ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય દામનગરમાં જઈને યંત્ર જૂગાર પર દરોડો પાડે છે, પણ ભૂમાફિયાઓને ટપારતાં'ય નથી. 

બાબરા લાઠી વિસ્તારના ધારાસભ્ય દ્વારા તાજેતરમાં  દામનગર ખાતે યંત્રરૂપી જુગારધામો બંધ કરાવવા પોતે જનતા રેઇડ કરી અને જુગારરૂપી દુષણ ડામવા આગળ આવ્યા છે પરંતુ બાબરાના પાંચાળ તરીકે ઓળખાતા લાલકા અને સુખપુર ખંભાળા  વિસ્તારમાં  વર્ષોથી ચાલતી બિન અધિકૃત બેલા પથ્થરની ખાણો  સામે આંખમિંચામણા કરીને ચાલવા દે છે. ખનીજ ચોરી મુદ્દે હરફ નહી ઉચ્ચારતા હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે. બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારમાં આવતા આઠ જેટલા ગામામાં વનગ્રેડ ગણાતા લાઇમ સ્ટોન પથ્થર મોટી માત્રામાં મળી આવે છે, જેમાં મુખ્યત્વે લાલકા, ખંભાળા, અને સુખપુર વિસ્તારમાં બાબરા સ્થાનિક તંત્રની મિલી ભગતના કારણે બેલા પથ્થરની ખાણો બિન અધિકૃત અને મંજુર થયેલા સ્થળો કરતા અન્ય સ્થળો જેવા કે સરકારી પડતર ગૌચર જમીનોમાં દિવસ રાત પથ્થર કાઢી લાખોની કીમતના બેલા પથ્થરની ચોરી કરવામાં આવી રહી છે. આવા ખનીજ ચોરીના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સો યેનકેન પ્રકારના વ્યવહારો કરીને સરકારી તંત્રને મૌન કરાવતા હોવાનું સાંભળવા મળે છે. બાબરા તાલુકાના લાલકા વિસ્તારમાં આવતી સરકારી પડતર સહિત ગૌચર અને ફોરેસ્ટ વિભાગ હસ્તકની જમીનો અંગે સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવે તો કરોડોની કીમતની ખનીજ સંપતી ખનીજ માફિયાઓ દ્વારા ઉપાડી લીધાનું ફલિત થશે.


Google NewsGoogle News