નારણાવટમાં બિનઅધિકૃત સંગ્રહ કરેલી રેતીનો મોટો જથ્થો પકડાયો
દહેગામ મામલતદારની ટીમે દરોડો પાડયો
નંબરપ્લેટ વગરના ટ્રેક્ટર, ટ્રક તથા જેસીબી મશીન પણ ટીમે જપ્ત કર્યાઃજથ્થાની માપણી કરીને દંડ ફટકારાશે
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા નારણાવટ ગામે મામલતદારની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ આકસ્મિક તપાસમાં બિનઅધિકૃત સંગ્રહ કરેલી સાદીરેતીનો જથ્થો કોઈ પરવાનગી મેળવ્યા વિના સંગ્રહ કરાયો હોવાનું સામે આવ્યું હતું . ઉપરાંત નંબર પ્લેટ વિનાનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર,ડમ્પર- ટ્રક, તથા જેસીબી મશીન પકડી જપ્ત કરવામાં આવ્યું છે. બિનઅધિકૃત સંગ્રહ કરેલ સાદીરેતી ખનિજના વિસ્તારના જથ્થાની માપણી કરી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગાંધીનગરની નદીઓમાં રેતી ખનનની ગેરકાયદે પ્રવૃત્તી ફુલીફાલી છે જેની સામે ભુસ્તર તંત્રની સાથે વહિવટી તંત્રને પણ સજાગ રહેવા અને દરોડા પાડી આવા શખ્સોને પકડવા માટે કલેક્ટરે સુચના આપી છે. જે અંતર્ગત દહેગામ મામલતદારે ટીમ બનાવીને આકસ્મિક તપાસ હાથ ધરી હતી અને પરવાનગી વગર સાદી રેતીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. દહેગામ તાલુકામાં આવેલા નારણાવટ ગામેે આકસ્મિક તપાસ કરતા અહીંથી બિનઅધિકૃત સંગ્રહ કરેલી રેતી ખનિજનો મોટો જથ્થો કોઈ પરવાનગી મેળવ્યા વિનાનો મળી આવ્યો હતો. ગેરકાયદે સંગ્રહ કરેલી રેતીના જથ્થાની માપણી કરીને દંડનીય રકમની વસુલાત માટેની કાર્યવાહી પણ શરૃ કરવામાં આવી છે તો આ સ્થળેથી નંબર પ્લેટ વિનાનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર,ડમ્પર-ટ્રક, જસીબી મશીન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. એટલુ જ નહીં, ભુસ્તર તંત્ર દ્વારા હાઇવે ઉપર ચેકીંગ દરમ્યાન બિનઅધિકૃત રેતીની હેરાફેરી કરતા ત્રણ ડમ્પર કલોલ તાલુકાના પલીયડ પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. રોયલ્ટી પાસ નહીં હોવાને કારણે આ ડમ્પર જપ્ત કરાયા છે. આમ, દહેગામ મામલતદાર તથા ભુસ્તર તંત્રની કાર્યવાહી દરમ્યાન કુલ છ વાહનો જપ્ત કરીને વાહનોના માલિકો સામે ગુજરાત મિનરલ એક્ટ હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.