JEE મેઇન્સમાં સુરતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા
- ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી આર્જવ શ્રેય 99.99 પર્સન્ટાઇલ સાથે સમગ્ર ગુજરાતમાં ટોપર હોવાનો દાવો
સુરત
દેશની
નામાંકિત એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન્સની પરીક્ષાનું આજે
પરિણામ જાહેર થતા સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ૯૯.૯૯ પર્સન્ટાઇલ
મેળવીને સુરતનું નામ ચમકાવ્યુ હતુ. ગુજરાતી માધ્યમમાં ભણનારા વિદ્યાર્થીઓ પણ ૯૯.૯૯
પી.આર મેળવ્યા છે. જેમાં આર્જવ શ્રેય વિદ્યાર્થી ગુજરાતમાં પ્રથમ હોવાનો દાવો
કરાયો છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી ( એનટીએ ) દ્વારા ટોચની એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ માટે ડિસેમ્બર-૨૩ માં જેઇઇ મેઇન્સની પરીક્ષા લેવાઇ હતી. આ પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા સુરતની અનેક સ્કુલોના વિદ્યાર્થીઓ ૯૯.૯૯ પર્સન્ટાઇલ મેળવીને એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ માટે પ્રથમ ચરણ પાર કર્યુ છે. આ વિદ્યાર્થીઓમાંથી માનવી મહેતા ૯૯.૯૯૯ પી.આર મેળવીને સુરતની ટોપર બની હોવાનો દાવો કરાયો છે. જયારે ઓઇશ નંદી ૯૯.૯૯૩ પી.આર સાથે સીટી ટોપરમાં બીજા ક્રમે અને પુલ્કિત બિયાની ૯૯.૯૯૩ ત્રીજા ક્રમે આવ્યો હોવાનો દાવો કરાયો છે. તો ગુજરાતી માધ્યમમાં ભણનારા પી.પી.સવાણીનો વિદ્યાર્થી આર્જવ શ્રેયે ૯૯.૯૯ પી.આર મેળવીને ગુજરાતી માધ્યમના પરિણામમાં સમ્રગ ગુજરાતમાં પ્રથમ હોવાનો દાવો કરાયો છે.
આ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયમાં ૧૦૦ પર્સન્ટાઇલ મેળવ્યા છે. સ્કુલોમાં જોઇએ તો વરાછાની પી.પી.સવાણી સ્કુલના ૨૫ થી વધુ વિદ્યાર્થીઓ ૯૯ પર્સન્ટાઇલથી વધુ આવ્યા છે. આ ઉપરાંત આશાદીપ આઇ.આઇ.ટી સ્કુલના ૨૭ વિદ્યાર્થીઓ ૯૯ પી.આરથી વધુ મેળવ્યા છે. જેમાં છ વિદ્યાર્થીઓના અલગ અલગ વિષયમાં ૧૦૦ પર્સન્ટાઇલ આવ્યા છે. કામરેજના વાવની વશિષ્ઠ વિદ્યાલયના સાત વિદ્યાર્થીઓ ૯૯ થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. આ ઉપરાંત મૌની ઇન્ટરનેશનલ સ્કુલના ૧૦ વિદ્યાર્થીઓ, મોટા વરાછાની સંસ્કારદીપ વિદ્યા સંકુલના બે વિદ્યાર્થીઓ, કૌશલ વિદ્યાભવનના ૧૦, અસ્પાયર પબ્લીક સ્કુલના છ, આંબા તલાવડીની યોગી પ્રવૃતિ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. આ ફેઝ- ૧ ની પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ આગામી દિવસોમાં ફેઝ-૨ ની પરીક્ષા લેવાશે.