ગુજરાતમાં મિલીભગતથી ચાલતાં જમીન કૌભાંડો: અધિકારીઓને ફસાવતા નેતાઓની તપાસ ક્યારેય થતી નથી!
Land scam in Gujarat: સુરતના ડુમ્મસ જમીન કૌભાંડમાં જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે વલસાડ જિલ્લા કલેક્ટર આયુષ ઓક પણ પાછા આવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકીય ઈશારો આયુષ ઓક પાસે આ કામ કરાવવામાં આવ્યું હતું. ડુમ્મસની 2000 કરોડની સરકારી જમીનમાં ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરીને જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેમાં પડદા પાછળના રાજકીય નેતાઓનો વાળ પણ વાંકો થયો નથી.
નેતાઓની મિલિભગત સંતાડવા માટે અધિકારીનો ભોગ લેવાયો હતો પણ તપાસ હવે નેતાઓ સુધી પહોંચે તેમ હોવાથી અધિકારીને પણ છોડવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે. આ કેસમાં તપાસ સોંપાયા પછી રાજ્ય સરકારે ગયા જુલાઇ મહિનામાં આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધા હતા. સરકારે આ હુકમ સામે સ્ટે તો આપી દીધો હતો પરંતુ હવે નિયમાનુસાર નક્કી કરવાનું રહે છે કે આયુષ ઓક માટે ક્યો નિર્ણય લેવો. સચિવાલયના આંતરિક વર્તુળોએ જણાવ્યું હતું કે રાજ રમતમાં અધિકારી ફસાયા હોવાથી બધું ભીનું સંકેલી લેવાશે.
અધિકારી સાથે બેસીને કૌભાંડીઓ જ ચાર્જશીટ તૈયાર કરાવે છે!
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગયા છે ત્યારથી અહીં ગુનાખોરીનું અલગ જ મોડલ વિકસી રહ્યું છે. તાજેતરમાં જ એક ઘટના બહાર આવી છે જેમાં સુરેન્દ્રનગરની 2000 કરોડની જમીન કૌભાંડમાં સંડોવાયેલા ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી મામલતદાર આ કૌભાંડની તપાસ કરતા અધિકારીની કેબિનમાં જોવા મળ્યા હતા. તેઓ અહીં દરરોજ બેથી ત્રણ કલાક પસાર કરે છે અને વિશેષ તપાસ અધિકારીને કૌભાંડ કેસમાં ચાર્જશીટ કેવી રીતે તૈયાર કરવી તે સમજાવે છે.
કૌભાંડી અધિકારીઓ પોતાને નડતા લોકોને ઠેકાણે પાડવા અને પોતે કોઈપણ રીતે આ ગુનામાંથી નીકળી શકે તેના માટે જાતે જ ચાર્જશીટ બનાવડાવી રહ્યા છે. આ રીતે તેઓ નવા કૌભાંડમાં સક્રિય થવાની પણ ગોઠવણ કરી રહ્યા હોવાનો ગણગણાટ છે.