20,000 કરોડનું જમીન કૌભાંડ: ગુજરાત સરકારને ભીંસમાં લેશે ખેડૂત-ગણોતિયા, ગાંધીનગર તરફ કૂચની ચીમકી
Land scam in Mulasana: ગાંધીનગરના મુલસાણા ગામે પાંજરાપોળની 20 હજાર કરોડની કિંમતી જમીન ગેરકાયદે રીતે બિલ્ડરોને પધરાવી મસમોટુ જમીન કૌભાંડ આચરવામાં આવ્યુ છે. જેમાં ભાજપના મોટાગજાના નેતાઓથી માંડીને બિલ્ડરોની જગજાહેર મીલીભગત છે. મહત્ત્વની વાત એ છે કે, સમગ્ર જમીન કૌભાંડની તપાસ ચાલી રહી છે. ત્યારે પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા જેલમાં છે, બીજી તરફ આ જમીન પર બિલ્ડરો બેફામ રીતે બાંધકામ કરી રહ્યાં છે.
ખેડૂતો-ગણોતિયાઓએ ચિમકી ઉચ્ચારી
જમીનને મૂળ સ્થિતિમાં પાછી લાવવા અને ગણોતિયાઓને અધિકાર મળે તે માટે મુલસાણા ગામના ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. ખેડૂતો. ગણોતિયાઓએ ચિમકી ઉચ્ચારી છે કે, જે સરકાર આ મામલે ખેડૂતોને તેમનો હુક-જમીન નહીં આપે તો ગાંધીનગર તરફ કૂચ કરાશે. વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના પ્રતિનિધીમંડળે મુલસાણાની મુલાકાત લઈને અસરગ્રસ્ત ખેડૂત પરિવારોની વ્યથા જાણી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં જીવલેણ ચાંદીપુરા વાયરસ વકર્યો, 4 બાળકોનાં મોતથી તંત્ર ચિંતિત, પોઝિટિવ કેસ 22 થયા
અમિત ચાવડાના ગંભીર આક્ષેપ
મુલસાણામાં અસરગ્રસ્ત ખેડૂતો સાથેની મુલાકાત બાદ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, 'ગુજરાતમાં ભૂમાફિયાઓ બન્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયથી માંડી મહેસૂલના અધિકારીઓના મેળાપિપણાને લીધે મુલસાણા અને તેની આસપાસ દસ ગામની ગૌચરની જમીન બિલ્ડર આખલા ચરી ગયા છે. મુલસાણાની લગભગ 60 લાખ ચોરસ મિટર જગ્યા જેની બજાર કિંમત 20 હજાર કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય જાય છે. તેવી કિંમતી જમીન નીતિ, નિયમોને નેવે મૂકી રાજકારણી-બિલ્ડરોએ કબજે કરી લીધી છે.'
અમિત ચાવડાએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, 'જમીન ટોચ મર્યાદાનો કાયદો હોય, ચેરિટી કમિશનરની મંજૂરી ન હોય, ગણોતના તમામ હક હોય છતાં એને નજરઅંદાજ કરવામાં આવે. ગરીબ ખેડૂતોની પાંજરાપોળની જમીન મોટા બિલ્ડરોને પધરાવાઈ છે. એક તરફ ખેડૂતો-ગણોતિયા ન્યાય માટે લડી રહ્યાં છે ત્યારે તપાસના આદેશ આપનારાં મુખ્યમંત્રી હોય, કૃષિમંત્રી હોય, સચિવ હોય, તેઓ આજે મેહેલોમાં બેસીને જલસા કરી રહ્યાં છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, 'વિજય રૂપાણીની સરકાર વખતે આજમીન કૌભાંડ આચરાયુ હતું. પરંતુ વર્તમાન ડબલ એન્જિનની સરકારે આ કૌભાંડને આગળ ધપાવ્યુ છે. રૂપાણી સરકારે કરોડોનો ભ્રષ્ટાચાર ઓચરી બિલ્ડરોને જમીન પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કરી દીધા હતાં. જ્યારે વર્તમાન સરકારે કરોડો રૂપિયા ચૂંટણી ફંડ લઈને એગ્રિકલ્ચરઝોનની જમીનને કોમર્શિયલમાં ફેરવી દીધી હતી. એકબાજુ એવુ કહેવાઈ રહ્યું છે કે, આ જમીનના હુક ખોટા થયા છે. પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા હાલ જેલમાં છે. જ્યારે બીજી તરફ આ ચર્ચાસ્પદ જમીનમાં બેરોકટોક રીતે બાંધકામ ચાલી રહ્યું છે.ખુદ ખેડૂતાં એવી વ્યથા ઠાલવી રહ્યાં છે કે, ધાકધમકી જ નહીં, બંદૂકની અણીએ જમીન કબજે કરવામાં આવી રહી છે. નવાઈની વાત તો એ છે કે, ખેડૂતોને પોતાના જ ખેતરમાં જ જવા દેવાતાં નથી.'
ગૌચર બચાવવા ખેડૂતો મેદાને પડ્યા
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એવો આરોપ મૂક્યો કે, 'ગુજરાતમાં ગૌચરો ઉપરાંત ખેડૂતો-ગણોતિયાઓની જમીનનો ભાજપના સત્તાધીશો વેપાર કરી રહ્યા છે. ગાયોની જમીનો મૂડીપતિઓને પધરાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો છે.' ત્યારે હવે રૂકજાઓ કહેવાનો સમય આવી ગયો છે. એવી ચિમકી ઉચ્ચારાઈ છે કે, મુલાસણા જમીન કૌભાંડ પ્રકરણનો રિપોર્ટ આવ્યો છે. તે આધારે જો જમીનને ફરી મૂળ સ્થિતિએ નહીં લવાય, ગણોતિયાઓને હક નહિ અપાય તો 'ગાય બચાવો, ગૌચર બચાવો, ખેડૂતોને તેમનો હક અધિકાર આપો'ના નારા સાથે અસરગ્રસ્ત ખેડૂત પરિવારો ઢોરઢાંખર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે. એટલુ જ નહીં, વિધાનસભાએ પહોંચી ન્યાયની ગુહાર લગાવશે. અસરગ્રસ્ત ખેડૂતોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 600 પત્ર લખ્યાં છતાંય પરિણામ શૂન્ય
કોંગ્રેસના પ્રતિનિધીમંડળ સમક્ષ અસરગ્રસ્ત ખેડૂતોએ એવી હૈયાવરાળ ઠાલવી કે, પાંજરાપોળ ગૌચરોની જમીન બિલ્ડરોને પધરાવી દેવાઈ છે. જેથી અસલ ખેડૂત- ગણોતિયા પાયમાલ થયા છે. સરકારમાં તે અનેકવાર રજૂઆત કરી છતાંય કોઈ સાંભળતુ નથી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ 600 વખત પત્ર લખી ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી છતાંય પરિણામ શૂન્ય રહ્યું છે. રાજ્ય સરકાર પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
સરકારને ગરીબ ખેડૂતોને ન્યાય અપાવવા કરતાં બિલ્ડરોને બચાવવામાં વધુ રસ
ખેડૂતોએ એવો આક્ષેપ કર્યોકે, વર્ષ 1952થી 7-12ના ઉતારા, પાણીપત્રક, હકપત્રકમાં નામ હોવા છતાંય ખેડૂતોને ખેતરમાં જવા દેવાતાં નથી. પોલીસ ખેડૂતોને સાથે દાદાગીરી કરે છે. ભૂમાફિયાઓએ જમીન પચાવી પાડી છે. ત્યારે સરકારને ગરીબ ખેડૂત-ગણોતિયાઓને ન્યાય અપાવવામાં કરતાં મૂડીપતિ-બિલ્ડરને બચાવવામાં જ રસ છે.
ગાયોનો ચારો છીનવો નહીં, ગરીબ ખેડૂતોને તેમને હક આપો
મુલસાણાના ખેડૂતોનું કહેવું છે કે, 'હવે બહુ થયું, ગાય અને હિંદુના નામે મત લીધા, સત્તા પર બેઠા હવે ગાયના મોંઢાની ચારો છીનવવાનું બંધ કરો, ગરીબ ખેડૂત-અન્નદાતાને તેનો હક આપો. ખેડૂતોએ એવો નિર્ધાર વ્યક્ત કર્યોકે, સરકાર સામે છેલ્લી ઘડી સુધી લડત લડીશું પણ ન્યાય મેળવીને જંપીશું.'