ગુજરાતમાં ભૂમાફિયાને છુટ્ટોદોર, ગાંધીનગરમાં ખેડૂતની જમીન બોગસ ડોક્યુમેન્ટ દ્વારા પચાવી પાડવાનો કારસો
Representative image |
Land Grabbing in Gandhinagar: ગાંધીનગર તાલુકાના રાયપુર ગામના ખેડૂતની કરોડો રૂપિયાની 25 વીઘા જમીન પચાવી પાડવા માટે બોગસ પાવર ઓફ એટર્ની અને બાનાખત ઊભો કરવામાં આવ્યો હતો. આ મામલે કલેક્ટર કચેરીની સીટમાં ફરિયાદ થયા બાદ ડભોડા પોલીસ દ્વારા આ ભૂમાફિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
ગાંધીનગર જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે રાયપુરમાં ખેડૂતની કરોડોની જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પચાવવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી અનુસાર, રાયપુર ગામે રહેતા કાંતિજી શંકાજી સોલંકીની વડીલોપાર્જિત 25 વીઘા જમીન આવેલી છે. વર્ષ 2015માં તેમના પિતા શંકાજી સોલંકીને લકવો હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, ત્યારથી તેઓ પથારીવશ હતા. તેમની હયાતીમાં જુલાઈના વર્ષ 2020માં કાંતિજીએ પોતાના નામે વારસાઈ દાખલ કરાવી હતી. બાદમાં 80 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું હતું. ત્યારે દોઢેક વર્ષ અગાઉ જુન 2023માં કાંતિજીનાં બનેવીએ જમીનના પાવર ઓફ એટર્ની કરાર, બાનાખત થયેલા હોવાના કાગળો વોટ્સઅપથી મોકલી આપ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, પેડલરોની તરકીબ જોઇને પોલીસ પણ ચકરાવે ચઢી ગઈ
જેનાં વધુ કાગળોની નકલો કઢાવતા જાણવા મળ્યું હતું કે, જનરલ પાવર ઓફ એટર્ની કરાર તથા બાનાખત તેમના પિતાએ 2020માં અલ્કેશ ભેમાદેસાઈએ કરી આપ્યા હતા. જેની અવેજીમાં 9 લાખ રોકડા ટુકડે ટુકડે તેમજ અન્ય ચેક મળીને કુલ 11 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાની પણ વિગતો હતી. જેથી કાંતિજીએ તેમના પિતાનું બેંક એકાઉન્ટ તપાસતા કોઈ રૂપિયા જમા નહીં થયા હોવાનું જાણવા મળ્યું હતું.
બાદમાં વિગતવાર પાવર ઓફ એટર્ની કરાર જોતા તેમાં તેમના પિતાનો શૂટ પહેરેલો ફોટો હતો અને સહીની જગ્યાએ અંગૂઠાનાં નિશાન પણ હતા. વાસ્તવમાં શંકાજી કોઈ દિવસ શૂટ પહેરતા નહોતા અને તેઓ સહી કરવી જાણતા હોવા છતાં તેમના અંગૂઠાનાં નિશાન કરેલા હતા. જેથી આ મામલે કાંતિજીએ કલેક્ટર સીટ સમક્ષ કરીયાદ કરી હતી જેની તપાસના અંતે અલ્કેશ દેસાઈ સામે ડભોડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.