લખતરના આદલસર ગામના ચાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
- મામલતાદરના હુકમ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો
- સરકારી જમીન પર ગામના શખ્સે ગેરકાયદેસર દબાણ કર્યાની અરજી કરી હતી
સુરેન્દ્રનગર : લખતરના આદલસર ગામની સીમમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરતા ચાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. લખતર મામલતદારે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ચાર શખ્સો સામે પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
લખતર તાલુકાના આદલસર ગામે આવેલી સરકારી જમીન સર્વે નંબર ૩૯૯ હેક્ટર ૪-૦૨-૪૨ વાળી જમીન પૈકી અંદાજે ૧૦૦૦ ચોરસ મીટર જમીન ઉપર છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી ગામના વેરશીભાઈ ગોકળભાઈ બોળીયા, રાજેશભાઈ વેરશીભાઈ બોળીયા, કરણભાઈ વેરશીભાઈ બોળીયા અને અર્જુનભાઈ વેરશીભાઈ બોળીયા દ્વારા ગેરકાયદેસર દબાણ કરતા જેતેે સમયે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ગત માર્ચ-૨૦૨૪માં આ દબાણ દૂર કરી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ ફરી સરકારી જમીન પડાવવાના હેતુથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા સ્થાનિક રહિશે સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી કરતા લખતર મામલતદાર સહિતની ટીમે તપાસ હાથધરી હતી . મામલતદારે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનાર ચારય શખ્સો સામે લખતર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.