જરોદની જમીન પચાવી પાડનાર ૧૪ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો
જરોદના લોકોએ જમીન પચાવી તેના પર કાચી-પાકી દુકાનો બનાવી દીધી હતી
જરોદ તા.૧૭ જરોદમાં શારીરિક રીતે અશક્ત વૃધ્ધની જમીન પચાવી પાડી કેટલાંક શખ્સોએ તેના પર બાંધકામો કરી દેતા આખરે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ જરોદના ૧૪ શખ્સો સામે દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જરોદમાં ચંપકભાઈ કાનજીભાઈ ભાલીયાની ખેતીની જમીન આવેલી છે. આ જમીન જરોદ ગામમાંથી પસાર થતા જુના જરોદ હાલોલ રોડની જમણી સાઈડમાં રોડને અડીને આવેલ છે. આ જમીનનાં રેવન્યૂ રેકર્ડમાં ચંપકભાઇના પિતા કાનજીભાઈનું નામ ચાલે છે. આ જમીન ખરીદી તે વખતે તેના ઉપર કોઈ બાંધકામ કે દુકાન ન હતી પરંતુ જે તે વખતે સંજોગો વસાત બહાર જવાનું થતા આ જમીન ઉપર કેટલાક ઇસમો દ્વારા કબજો કરી દેવાયોે હતો.
જમીન પર ગેરકાયદે કબજા અંગે ચંપકભાઈએ જરોદ ગ્રામ પંચાયત તથા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. પરંતુ પંચાયત તેમજ મામલતદાર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી નહી થતાં આખરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કલેક્ટર કચેરીમાં ફરિયાદ થતાં કમિટિએ મંજૂરી આપતા જરોદ પોલીસે જમીન પર કબજો કરનાર જરોદના શેખ સત્તારભાઈ રસુલભાઈ(આરીફ ટ્રાન્સપોર્ટ), શેખ સત્તારભાઈ રહીમભાઈ, વીસભાઇ કોયાભાઈ ભાલીયા, ઠાકોરભાઈ ગોવિંદભાઈ વાળંદ, ભીખાભાઈ મથુરભાઈ ભાલીયા, નગીન રણછોડભાઈ ભાલીયા, લાલા દલસુખભાઇ રાણા, દલસુખ હીરાભાઈ ભાલીયા, સીરાજ ઇસ્માઇલ વોરા, નવીન ખેમચંદભાઈ ચંદનાની, રાજુ બાબરભાઈ ભાલીયા, પ્રફુલ નાનુમલ સીંધી, કલ્પીત ભાનુપ્રસાદ પાઠક અને મુસ્તુફા ઇસ્માઇલભાઈ ઘાંચી સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તમામ આરોપીઓએ ખેતીની જમીન પચાવી પાડી તેના પર કાચી-પાકી દુકાનો બાંધી દીધી હતી.