Get The App

આણંદ કલેક્ટર કચેરીમાંથી જમીન કૌભાંડની ફાઈલ ગાયબ

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
આણંદ કલેક્ટર કચેરીમાંથી જમીન કૌભાંડની ફાઈલ ગાયબ 1 - image


- રેકર્ડ શાખાના નાયબ મામલતદારે સરકારી કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

- તત્કાલિન અધિક જિલ્લા કલેક્ટર કેતકી વ્યાસ અને મામલતદાર જે.ડી. પટેલે બોરસદમાં જમીનો બીનખેતી કર્યાની રજૂઆત થઈ હતી : પ્રાંતની તપાસમાં સરકારને નાણાકીય નુકસાન થયાનું ખૂલ્યું હતું : એલસીબીએ તપાસ શરૂ કરી

આણંદ : આણંદ કલેકટર કચેરીના રેકોર્ડ શાખામાં ફાઈલ મુવમેન્ટ રજીસ્ટરમાં ખોટી સહી કરી ફાઈલ ગુમ કરી હોવા અંગે આણંદ શહેર પોલીસ મથકે સરકારી કર્મચારી વિરુદ્ધ નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે આણંદ એલસીબીએ તપાસ શરૂ કરી છે. આણંદ કલેકટર કચેરીના તત્કાલીન નાયબ મામલતદાર જે.ડી.પટેલ તથા અધિક જિલ્લા કલેકટર કેતકી વ્યાસે ભેગાં મળી બોરસદના અલગ અલગ સર્વે નંબરવાળી કેટલીક જમીનો નવી શરતની હોવા છતાં બીનખેતી કરેલી છે અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે બોરસદના મહંમદ હનીફ એ. મલેકે ગત તારીખ ૨૬/૦૮/૨૦૨૩ના રોજ નાયબ મામલતદાર (રેકોર્ડ શાખા) કલેક્ટર કચેરી, આણંદને રજૂઆત કરી હતી. આ રજૂઆતની નકલ સચિવ, મહેસૂલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગરને રવાના કરતાં, આ બાબતે તપાસના આદેશ આપ્યાં હતાં. જે અંતર્ગત પ્રાંત અધિકારી, બોરસદ મારફતે તપાસ અહેવાલ મંગાવી, રેકર્ડથી ખાત્રી કરતાં આ કામે સરકારને નાણાકીય નુકસાન થયું હોવાનું ખૂલ્યું હતું.

ત્યારબાદ આ કેસોના રેકર્ડ બાબતે શાખા તથા રેકર્ડરૂમથી ખાત્રી કરાવતાં, બોરસદની બિનખેતી પરવાનગીની ફાઈલનું રેકર્ડ મળી આવ્યું ન હતું. જેથી જે.ડી.પટેલ (તત્કાલિન નાયબ મામલતદાર, કલેકટર કચેરી, આણંદ) અને રાજેશકુમાર એમ.પરીખ (તત્કાલિન કલાર્ક , કલેકટર કચેરી, આણંદ. હાલ કલાર્ક (મામ), મામલતદાર કચેરી, તારાપુર) પાસે આ બિનખેતી ફાઇલની આખરી સ્થિતિની સ્પષ્ટતા મેળવતાં તેમજ એસ.એલ. ચૌહાણ (તત્કાલિન ઇ.ચા. નાયબ મામલતદાર (રેકર્ડ શાખા) હાલ નાયબ મામલતદાર (દબાણ) મામલતદાર કચેરી, વિરમગામ, જિ. અમદાવાદ) પાસેથી સ્પષ્ટતા અને ખુલાસો મેળવવામાં આવ્યો હતો. 

જેમાં રાજેશકુમાર એમ.પરીખે તેઓના ગત તારીખ ૨૩/૦૭/૨૦૨૪ના પત્રથી રેકર્ડ મળ્યેથી ખાત્રી થઇ શકે તેમ જણાવ્યું હતું. એસ.એલ.ચૌહાણે તેઓના તારીખ ૨૬/૦૭/૨૦૨૪ના પત્રથી શાખાએ કયા કારણોસર ફાઈલ પરત મેળવી તે અંગે તેઓને જાણ ન હોવાનું અને રેકર્ડ શાખામાંથી ફાઇલ લઈ જનાર કર્મચારીની સહી આધારે ખાત્રી કરવા જણાવેલું છે. જ્યારે, જે.ડી.પટેલે આ ફાઇલ રેકર્ડ શાખામાંથી પરત મંગાવેલી હોવાનો ઇન્કાર કર્યો છે. 

આ જમીનોના રેકર્ડ ગુમ બાબતે પ્રાથમિક તપાસ કરવાના હેતુસર મીતાબેન ડોડીયા, નાયબ કલેકટર-૨ને આ ફાઇલની શોધ માટે તપાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી હતી. જેમની તપાસ દરમિયાન પણ જમીનનું રેકર્ડ મળી આવ્યું નહોતું. રેકર્ડ શાખામાંથી કોઈ સરકારી કર્મચારી તા. ૨૧/૦૩/૨૦૨૩ના રોજ ફાઈલ મુવમેન્ટ રજિસ્ટરમાં સહી કરી લઈ ગયા બાદ કોઈ કારણોસર આ ફાઈલ રેકર્ડ શાખા, કલેક્ટર કચેરી, આણંદ ખાતે પરત નહિ કરી પ્રાથમિક રીતે જ કોઈ સરકારી કર્મચારી દ્વારા સરકારને મોટું નાણાંકીય નુકશાન થતું હોવાથી તેની જવાબદારીમાંથી બચવા જાણીબુઝીને રેકર્ડ શાખામાંથી ઈરાદાપૂર્વક અગર ખોટી રીતે ફાઈલ મેળવી ત્યારબાદ ફાઈલ રેકર્ડ શાખામાં પરત નહીં કરી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. 

આ અંગે આણંદ કલેકટર કચેરીના રેકર્ડ શાખાના નાયબ મામલતદાર હિરેન્દ્રસિંહ બી. મકવાણાએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News