લલિત કલા એકેડેમી એવોર્ડ વિનર યુવાને અગ્નિ સ્નાન કરી લેતા મોત
કોઇએ ઘર સળગાવી દીધાનું સપનું જોયું અને ઝબકીને જાગી જઇ જાતે પેટ્રોલ છાંટીને સળગી ગયો
વડોદરા,છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં સંદીવાસન રોડ પર રહેતા અને ફાઇન આર્ટ્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મંગળવારે સવારે જાતે જ શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું. કવાંટથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ગઇકાલે સાંજે તેનું મોત થયું હતું.
છોટાઉદેપુરના કવાંટ તાલુકાના સંદીવાસન રોડ પર રહેતા ૩૭ વર્ષના રજનીકાંત પ્રવિણભાઇ સુતરીયાએ ગત તા.૧૭ મી એ વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ઘરે બાઇકમાંથી પેટ્રોલ કાઢી શરીર પર છાંટી દઇ જાતે સળગી ગયો હતો. તેને ગંભીર હાલતમાં સૌ પ્રથમ કવાંટ સી.એચ.સી. ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેની બહેન નિલેશ્વરીબેને જણાવ્યું હતું કે, મારો ભાઇએ એમ.એસ.યુ.માં ફાઇન આર્ટ્સ વિભાગમાં અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતો. વર્ષ - ૨૦૧૭ માં તેને લલિત કલા એકેડેમીનો એવોર્ડ પણ મળ્યો હતો.
હાલમાં જ તેણે એક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકેની નોકરી માટે ઇન્ટરવ્યૂ અને પરીક્ષા આપ્યા હતા. પરંતુ, મારા ભાઇને ડ્રીંકની આદત પડી ગઇ હતી. તે અવાર - નવાર એવી બૂમો પાડતો હતો કે, મને કોઇ સળગાવવા માટે આવી રહ્યું છે. અમે તેને સમજાવીને શાંત પાડતા હતા. બનાવના દિવસે રાતે તેને એવું સપનું જોયું કે, કોઇએ મારૃં ઘર સળગાવી દીધું છે અને ઘરના તમામ સભ્યોનું અવસાન થયું છે. તે એકદમ ઝબકીને જાગી ગયો હતો અને બહાર જઇ જાતે સળગી ગયો હતો.