આરોગ્ય મંત્રીના PA દ્વારા નોકરી અપાવવા લાખોના ઉઘરાણા કરાયા
ઋષિકેશ પટેલના પીએ જગદીશ પંચાલ ઉપર ગંભીર આક્ષેપ : ઠાકોર-કોળી એકતા મિશનની મુખ્યમંત્રીને રજૂઆત: રાજકોટ, બોટાદ,સુરેન્દ્રનગર જિલ્લાના હજારો નોકરીવાંચ્છુઓ પાસેથી કરોડો પડાવાયા
રાજકોટ, : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઈ.૨૦૨૨૨માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી માટે પરીક્ષા યોજવામાં આવી તેના અનુસંધાને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પી.એ.જગદીશ પંચાલ તથા અન્ય બે ઈસમો દ્વારા વિદ્યાર્થીઓને નોકરી અપાવી દેવાનું કહીને દરેક પાસેથી લાખો રૂ.ના ઉઘરાણા કર્યાનો ગંભીર આક્ષેપ આજે ગુજરાતના સમસ્ત ઠાકોર અને કોળી એકતા મીશન દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરાયેલી લેખિત રજૂઆતમાં કરાયો છે.
આ અંગે કોળી આગેવાન જસદણ પંથકના મુકેશ રાજપરાએ જણાવ્યું કે આશરે ૨૩૦ જેટલા વિદ્યાર્થીઓ તેમની પાસે આવ્યા હતા અને આધાર પૂરાવા સાથે રજૂઆત કરી હતી. આરોગ્યમંત્રીના પી.એ. જગદીશ પંચાલે એમ જણાવ્યું હતું કે ઋષિકેશભાઈ સાથે તેમને અંગત સંબંધ છે અને લાખો રૂ.ની માંગણી કરી હતી. સાળંગપુર હનુમાનજીના મંદિર નજીક આવેલ એક દવાખાને મુલાકાત કરાઈ હતી અને તેમણે એક મહિલાનો પરિચય કરાવ્યો હતો જેમણે પોતાને આરોગ્યમંત્રી અને તેમના પી.એ. સાથે ગાઢ સંબંધ હોવાનું કહ્યું હતું. રૂપિયા આપે તો સીધુ મેરીટમાં નામ મુકાવી દેશું તેવી ખાત્રી આપી હતી. બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લેવાયાનું અને જગદીશ પંચાલ ઉપરાંત લીંબડીના શિલ્પાબેન નામના મહિલા અને બોટાદના ભરત સોલંકી તેમાં સંડોવાયાનો આક્ષેપ કરાયો છે. અને મુખ્યમંત્રીને રજૂઆતમાં આ ત્રણેયના નામો પણ આપવામાં આવ્યા છે. વધુમાં વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવવાના નામે લેવાયેલ પૈસા પરત આપવામાં આવે અને ગુજરાતની ભોળી પ્રજાને મંત્રીઓના પી.એ.વગેરે લૂંટવાનું બંધ કરી તેવી માંગણી કરાઈ છે અને જો ન્યાય નહીં મળે તો કોળી-ઠાકોર સમાજના સંગઠન દ્વારા ગાંધીનગર સચિવાલયે ધસી જઈને ધરણાં સૂત્રોચ્ચાર કરાશે તેમ જણાવાયું છે.