જાફરાબાદ તાલુકાના 35 ગામડાંનાં તળાવો ક્રિકેટનાં મેદાન બની ગયા
આચારસંહિતા લાગુ પડી જતાં માટી ઉપાડવાનો પરિપત્ર થયો નહીં : સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટી ઉપાડવાની મંજૂરી આપી તળાવની ઊંડાઈ વધારવા માગણી
રાજુલા, : ઉનાળો આવતાં જ જાફરાબાદ તાલુકામાં મીઠા પાણીની સમસ્યા ખડી થઈ છે. તાલુકામાં 35 ગામડાઓના નાનાં મોટાં તળાવો ખાલી ખમ્મ થઈ ગયા છે. ચેકડેમોમાં પાણી સૂકાઈ ગયા છે. આવા સંજોગોમાં તળાવોમાંથી માટી કાઢવાની ખેડૂતોને છૂટ આપવા માગણી ઉઠી છે.
જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે. આ પંથકમાં જુદા જુદા ગામોમાં તળાવો આવેલા છે. તેમજ ચેકડેમો આવેલા છે. પણ ઉનાળો આવતાં જ પાણી સૂકાઈ જતાં ક્રિકેટના મેદાન બની ગયા છે. હવે જયારે ખાલી તળાવ થયા છે ત્યારે એમાંથી કાપ કાઢીને જળસંગ્રાહક ક્ષમતામાં ઉમેરો થઈ શકે એવા પ્રયાસોની જરૂરત છે. અને આ માટે ખેડૂતોને કાંપ કાઢવાની મંજૂરી આપવાની જરૂરત છે.
જો કાંપ દુર થાય તો બે ફાયદાઓ થશે એક તો તળાવો ઉંડા થશે અને બીજુ તળાવમાં રહેલો ફળદ્રુપ કાંપ ખેડુતોને ખેતરમાં પાથરવામાં કામ આવશે. આ કાર્યમાં સરકારે કોઈ જ ખર્ચ કરવાનો રહેતો નથી. અને ખેડૂતોની પણ કોઈ જ અપેક્ષા નથી. અગાઉ સુફલામ સુજલામ યોજના અંતર્ગત ખેડૂ તોને ડેમ ચેકડેમ તળાવમાંથી માટી ઉપાડવાની મંજુરી આપવામાં આવી છે પણ અધિકારીઓ કહે છે કે લોકસભાની ચૂટણી આવતા આચારસંહિતા આવી ગઈ છે આથી કોઈ પરિપત્ર થયો નથી.