કચ્છમાં SOGએ હાઈવે પરથી રૂ.1.47 કરોડનું કોકેઈન ઝડપ્યું, બે મહિલા સહિત ચારની ધરપકડ
Kutch News : કચ્છમાં હાઈવે પર આવેલી હોટલ અને ઢાબા પર દેશી-વિદેશી દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું વેચાણ થતું હોવાની SOG અને લાકડીયા પોલીસને જાણકારી મળી હતી. જેમાં પોલીસને લાકડીયા નજીકની એક હોટેલના માલિકની કોકેઈન કેસમાં સૂત્રધાર હોવાની શંકા હતી. જેને લઈને પોલીસે અન્ય રાજ્યમાંથી આવતા વાહનોનું હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં SOGએ 1.47 કરોડના કોકેઈનના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત ચારની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
1.47 કરોડ રૂપિયાની કિંમતનું 147.67 ગ્રામ કોકેઈન જપ્ત
મળતી માહિતી મુજબ, કચ્છમાં હાઈવે પરની હોટલ અને ઢાબા પર મોટાપાયે દારુ અને ડ્રગ્સનું વેચાણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને લઈને SOG અને લાકડીયા પોલીસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન ચેકિંગ સમયે ભારત હોટલ પાસેના મઢી ત્રણ રસ્તા પર હરિયાણાના પાસિંગની ઈકો કાર સંકાસ્પદ જણાતા પોલીસે તપાસ કરી હતી. જેમાં કારના એર ફિલ્ટર નીચે છૂપાયેલું કોકેઈન મળી આવ્યું હતું. પોલીસે 1.47 કરોડ રૂપિયાની કિંમતનું 147.67 ગ્રામ કોકેઈન જપ્ત કરી બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : ખોખરાની સોસાયટીમાં કિન્નરોનો આતંક: સૂત્રધાર મોના માસી સહિત સાતની ધરપકડ
પોલીસે કાર ચલાવનાર હનિસિંઘ નામના શખસની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, 'સન્નીસિંઘ ઊર્ફે ગુલવંતસિંઘ હજુરાસિંઘ શીખે કાર આપી હતી અને તેની પત્ની સુમન ઊર્ફે જશપાલ કૌરને સામખિયાળી મૂકવાનું કહ્યું હતું. સન્ની સામખિયાળી રહે છે અને લાકડીયા પાસેની આશિષ સિદ્ધુ સરદાર પંજાબી હોટેલ ભાડેથી ચલાવે છે. સુમનને સામખિયાળી મૂકવા ગયો ત્યારે તેનો ભાઈ સંદિપસિંઘ અને ભાભી અર્શદીપકૌર સાથે હતા'.
અગાઉ પણ આરોપી વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધાયો હતો
સન્ની કચ્છમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પોલીસને શંકા હતી. જે હજુ સુધી ઝડપાયો નથી. 2021માં લાકડીયા પોલીસ સ્ટેશનમાં સન્ની અને હનિસિંઘ વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જ્યારે માંડવીમાં આશિષ મહારાજ નામના શખસના હત્યાના કેસમાં અગાઉ હનિસિંઘની ધરપકડ કરાઈ હતી.