ચોટીલાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવથી હાલાકી
- યોગ્ય કાર્યવાહી કરી સુવિધાઓ પુરી પાડવા માંગ
- સીસીટીવી કેમેરા, પાર્કિંગ, પીવાના પાણી સહિતની સુવિધા ન હોવાથી દર્દીઓમાં રોષ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેના કારણે દર્દીઓ સહિત સગા-સબંધીઓ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચોટીલામાં સરકારી હોસ્પિટલ સહિત શહેરમાં કાર્યરત ખાનગી હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરા, પાર્કિંગ તેમજ દર્દીઓ માટે પીવાના પાણીની તેમજ યુરીનલ સહિતની સુવિધાઓ ન હોવાથી શહેરી વિસ્તાર તેમજ આસપાસના ગામોમાંથી આવતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સરકાર દ્વારા એક તરફ આરોગ્યલક્ષી સુવિધાઓ પાછળ મોટી રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ સ્થાનીક તંત્રની બેદરકારી અને અણઆવડતના કારણે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ ન થતા છેલ્લા ઘણા સમયથી દર્દીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તેમજ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરાનો પણ અભાવ જોવા મળતા ક્યારેક કોઈ મોટો બનાવ કે દુર્ધટના સર્જાય તો સીસીટીવી વગર હાલાકી પડી શકે તેમ છે. આથી દર્દીઓના હિતને ધ્યાને લઈ ઉચ્ચકક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.