Get The App

મહારાવ પ્રાગમલજી ત્રીજા કચ્છી ભાષાના હિમાયતી હતા

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
મહારાવ પ્રાગમલજી ત્રીજા કચ્છી ભાષાના હિમાયતી હતા 1 - image


કચ્છી ભાષા અને સાહિત્ય નવી પેઢી સુધી પહોંચાડવા 'કચ્છી અસ્મિતા જો ઉત્સવ' 

સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવમાં શાળાના બાળકોએ 'કચ્છજી આત્મકથા' શીર્ષક હેઠળ નૃત્ય નાટિકા રજૂ કરી 

ભુજ: ભુજની મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલમાં બાળકો માતૃભાષાથી જોડાયેલા રહે અને ભાષા સાથે સંસ્કૃતિનું પણ સંવર્ધન થાય તે માટે શાળામાં કચ્છી ભાષામાં અનેક કાર્યક્રમો થતા રહે છે. મહારાવ પ્રાગમલજી ત્રીજા કચ્છી ભાષાના હિમાયતી હતા. કચ્છી ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે તેઓએ અનેક પ્રયત્નો કર્યા હતા. તેમની આ લાગણીને જીવંત રાખવા આ શાળા અંગ્રેજી માધ્યમની હોવા ઉપરાંત અહીંં માતૃભાષા ગુજરાતી અને કચ્છી શીખવવામાં આવે છે. આજે કચ્છી ભાષા બોલનાર  લોકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. આવા સમયે ભાષા અને સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે માટે 'કચ્છી અસ્મિતા જો ઉત્સવ' કચ્છ સાહિત્ય ઉત્સવ, ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા સ્મૃતિ વન ભુજ ખાતે તારીખ ૨૫ અને ૨૬ ડિસેમ્બરે ઉજવવામાં આવ્યો હતો.

આ અનુસંધાને ભાષા સંવર્ધન અને સંરક્ષણ માટે સતત કાર્યશીલ એવી લીટલ સ્ટેપ્સ મોન્ટેસરી શાળાના બાળકોને અભિવ્યકિત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. અહિં સ્મૃતિવન ખાતે કચ્છ સાહિત્ય ઉત્સવમાં શાળાના બાળકોએ 'કચ્છજી આત્મકથા' શીર્ષક હેઠળ નૃત્ય નાટિકા રજૂ કરી હતી.

જેમાં, કચ્છની ઉત્પતિ, ઈતિહાસ, ભૂગોળ, ઐતિહાસિ ઈમારતો, પશુ પક્ષીઓ, ખાણી પીણી, બોલી વગેરે દર્શાવ્યું હતું. કચ્છી ભાષામાં બાળકો દ્વારા રજૂ કરાયેલ નૃત્ય નાટિકામાં કચ્છની બોલી, પશુ પક્ષીઓ, સાહિત્ય અને સંસ્કૃતિ જળવાયેલી રહે તેમજ તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે એ જવાબદારી 'પાં મડે કચ્છ વાસીજી આય' તેવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આપણો આ સમૃધ્ધ વારસો આપણી ભવિષ્યની પેઢી માણી શકે તે માટે તેનું સંરક્ષણ કરવું તેમજ સાથે સાથે પર્યાવરણની પણ જાળવણી અને સ્વચ્છતા પ્રત્યે ધ્યાન દોર્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના પ્રિન્સિપલ આરતીકુમારી મયુરધ્વજસિંહ જાડેજાએ સમગ્ર આયોજન માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભાષા તેમજ સંસ્કૃતિ અને ધરોહરના સંવર્ધન અને સંરક્ષણ માટે અને પર્યાવરણ સંરક્ષણ માટે આ શાળા સતત પ્રયત્ન કરતી રહેશે તેવું જણાવ્યું હતું.

કાર્યક્રમમાં જયેન્દ્રસિંહ જાદવ, સેક્રેટરી, ગુજરાત સાહિત્ય એકેડમી, ડો.કશ્મીરા મહેતા, કાંતિભાઈ ગોર, રવિભાઈ પેથાણી અને અન્ય સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. 


Google NewsGoogle News