કચ્છ: જે દિવસે બાળકીનો પિતા બન્યો એજ દિવસે વિદ્યાર્થિનીને ભગાડી ગયેલો શિક્ષક ઝડપાયો, પંજાબથી ધરપકડ
Anjar Crime News: ગુજરાતમાં ગાંધી જયંતિના દિવસે (2 ઓક્ટોબર) અંજારના મેઘપરથી શિક્ષણ જગતને શરમાવતો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમા મેઘપરમાં આવેલી આત્મિય વિદ્યાપીઠનો લંપટ પરિણીત શિક્ષક નિખિલ સેવકાણી પોતાને ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. આશરે પંદર દિવસ પછી ગુજરાત પોલીસે આ લંપટ શિક્ષકને પંજાબથી પકડી પાડ્યો છે.
પોલીસે કરી કડક કાર્યવાહી
આરોપી નિખિલ સેવકાણી વિદ્યાર્થિનીને એક્ટિવા પર ભગાડીને ભચાઉ ગયો અને ત્યાંથી તે કિશોરીને લઈને કચ્છની બહાર ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાત્કાલિક આરોપીની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળે EDનું સુપર ઓપરેશન, કરોડોની ટેક્સ ચોરી મામલે દરોડા
પંજાબથી પકડાયો આરોપી
પી.આઈ એ.આર ગોહિલના નેતૃત્વમાં તુરંત સર્ચ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. આરોપીની શોધખોળ દરમિયાન પોલીસને જાણ થઈ કે, તે કિશોરી સાથે પંજાબના અમૃતસરમાં સંતાઈને બેઠો છે. અંજારના એક પીએસઆઈ સહિતની ટીમ તાત્કાલિક ધોરણે અમૃતસર પહોંચી અને વિવિધ હોટલ, ઢાબા અને મકાનોની તપાસ હાથ ધરી બંનેને શોધી કાઢ્યા હતાં. પોલીસ આરોપી અને કિશોરીને પંજાબથી ઝડપી ગુજરાત પરત લાવ્યા હતાં.
એક દીકરીના બાપે કર્યું શરમજનક કૃત્ય
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી નિખિલ મેઘપર બોરીચીના ઘનશ્યામનગરનો રહેવાસી છે. તેણે પહેલાંથી જ લવ મેરેજ કરેલાં છે અને જે દિવસે તે વિદ્યાર્થિનીને ભગાડીને લઈ ગયો તેના આગલા દિવસે જ તેની પત્નીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. આરોપીએ પોતાની પત્ની અને નવજાત દીકરીને એકલી મૂકી કિશોરી સાથે આવું કૃત્ય કર્યું હતું. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે કિશોરીને તેના માતા-પિતાને સોંપી દીધી છે.