મહાદેવ બેટિંગ એપ કૌભાંડનો આરોપી પાટણથી ઝડપાયો, રૂ. 5213 કરોડના નાણાકીય વ્યવહારો મળ્યા

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
મહાદેવ બેટિંગ એપ કૌભાંડનો આરોપી પાટણથી ઝડપાયો, રૂ. 5213  કરોડના નાણાકીય વ્યવહારો મળ્યા 1 - image


Mahadev Betting App Case : ક્રિકેટ સટ્ટાબાજીના કારણે દેશભરમાં ચર્ચામાં આવેલા મહાદેવ એપ કેસમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે. કચ્છ પોલીસે મહાદેવ બેટિંગ એપના સૂત્રધાર ભરત ચૌધરીની ધરપકડ કરી છે. આ આરોપી મોટા પાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવતો હતો.

કચ્છ બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયાના જણાવ્યા મુજબ, મહાદેવ એપનો ડેવલપર ભરત ચૌધરી છે. તે દુબઈથી ગુજરાતના પાટણ આવ્યો હતો. ત્યારે તેની ધરપકડ કરી લેવાઈ હતી. આ આરોપીની પૂછપરછ અને તેના ફોનની તપાસમાં રૂપિયા 5,213 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આ તપાસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

મોબાઈલમાંથી 23 ID મળી આવ્યા

પોલીસના જણાવ્યા મુજબ, ભરત દુબઈથી વતન પાટણ આવ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. તે આ એપનો પાર્ટનર છે. આ માહિતી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરવાની શરૂ કરી હતી. તેની ધરપકડ કરાઈ ત્યારે તેના મોબાઈલમાંથી સટ્ટાબાજીના 23 ID મળી આવ્યા હતા. જ્યારે ભરત તેના વાહનમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તેની ધરપકડ કરવાનું ઓપરેશન હાથ ધરાયું હતું. તેના મોબાઈલની તપાસ કરતા સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલના એકાઉન્ટ મળી આવ્યા છે. તેના વોટ્સએપ ગ્રૂપમાં મહાદેવ એપના વાર્ષિક ટર્નઓવરની કુલ રકમ 5213,64,94,530 રૂપિયા હોવાનો ખુલાસો થયો છે. 

આરોપીએ કેટલાકના નામ કબૂલ્યા

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ભરતે ભાગીદાર તરીકે દુબઈમાં રહેતો સૌરભ ચંદ્રાકર, અતુલ અગ્રવાલ, દિલીપ કુમાર માધવલાલ પ્રજાપતિ, રોનક કુમાર અને ઝારખંડના ધનબાદનો રહેવાસી રવિકુમાર સિંહનું નામ આપ્યું છે.


Google NewsGoogle News