Get The App

કચ્છના માતાના મઢનો પત્રીવિધિ પૂજા વિવાદ, જાણો હાઈકોર્ટે કોને આપી પત્રીવિધિ કરવાની મંજૂરી

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
કચ્છના માતાના મઢનો પત્રીવિધિ પૂજા વિવાદ, જાણો હાઈકોર્ટે કોને આપી પત્રીવિધિ કરવાની મંજૂરી 1 - image


Patrividhi Controversy In Kutch : કચ્છના રાજવી પરિવાર વચ્ચે છેલ્લા ઘણાં સમયથી ચાલતા પત્રીવિધિ વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આદેશમાં સ્પષ્ટ કહી દીધું છે કે રાજ પરિવારના હનુવંતસિંહ જાડેજા જ પત્રીવિધિ કરશે. આ ચુકાદો પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીની તરફેણમાં આવ્યો હતો. નોંધનીય છે કે, કચ્છમાં આવેલા માતાના મઢમાં નવરાત્રિમાં આઠમના દિવસે થતી પત્રીવિધિનું ઘણું મહત્વ છે અને તે વિધિ કોણ કરે તેને લઈને ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. 

શું છે સમગ્ર મામલો

કચ્છના રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રીવિધિને લઈને લખપત-દયાપરની કોર્ટમાં વર્ષ 2010માં અપીલ કરીને માગ કરી હતી કે, 'માતાના મઢ ખાતે આવેલા કચ્છનાં દેશદેવી એવા કુળદેવી મા આસાપુરાના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રીવિધિ કરવા દેવામાં આવે.' આ મામલામાં દયાપરની કોર્ટે ચુકાદો આપ્યો કે, વિધિ માટે પ્રાગમલજી કોઈને અધિકાર કે નિયુક્ત કરી શકશે નહીં, જો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે. આ પછી ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં પ્રાગમલજી દ્વારા માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા સહિત દેવેન્દ્રસિંહજી જાડેજા અને હનુવંતસિંહ જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીનું મોત, શ્વાસ લેવામાં તકલીફ બાદ સિવિલમાં થયું મૃત્યું

જો કે, તેવામાં પ્રાગમલજી ત્રીજાનું નિધન થતા તેમના પત્ની મહારાણી પ્રીતિદેવીએ ભુજ કોર્ટમાં કેસ સંબંધિત અપીલ કરી. સ્વ. પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતીમાં ઈન્દ્રજીતસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજાની કુંવર તરીકેની જાહેરાત કરી હતી. તે પણ આ મામલે પક્ષકાર તરીકે જોડાયા હતા. પરંતુ કોર્ટ દ્વારા ત્રણેયની અપીલ કાઢી નાખી હતી. અને આજીવન ચામર પત્રીવિધિ માટે પ્રીતિદેવીને હક હોવાનો ચુદાકો આપ્યો.

આ પણ વાંચો : અંતિમ સફર પર ભારતનું અણમોલ 'રતન': સ્મશાન ઘાટ પહોંચ્યો ટાટાનો પાર્થિવ દેહ, થોડીવારમાં થશે અંતિમ સંસ્કાર

પત્રીવિધિ એટલે શું?

કચ્છ-ભુજ આશાપુરા માતાજીના મંદિર ખાતે નવરાત્રિના પાવન પર્વના નવ દિવસ હોમ હવન કરવા ઉપરાંત, આઠમના રોજ પત્રીવિધિ કરવામાં આવે છે. આ દિવસે માતાજીની પૂજા અર્ચના કરવા માટે રાજપરિવારના મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડમાં સ્નાન કરે છે. આ પછી આશાપુરા માતાના મંદિરમાં માતાજીના જમણા ખભા ઉપર ભુવો પત્રી છોડના પાંદડાનો એક ઝુમખો બનાવીને રાખે છે. આ દરમિયાન ડાક-ઝાંઝ વગાડવાની સાથે મહારાજા પછેડીનો પાથરી પત્રી મેળવવા માતાજીને રિઝવે છે. તેવામાં મહારાજાના ખોળામાં જ્યાં સુધી પત્રી પડતી નથી, ત્યાં સુધી મહારાજા ખડેપગે રહીને માતાજીની પ્રાર્થના કરે છે. આ પ્રકારની વિધિની પત્રીવિધિ કહેવામાં આવે છે.

કચ્છના માતાના મઢનો પત્રીવિધિ પૂજા વિવાદ, જાણો હાઈકોર્ટે કોને આપી પત્રીવિધિ કરવાની મંજૂરી 2 - image


Google NewsGoogle News