કચ્છના ડૉક્ટર પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, બે દંપતી અને એક બાળકીનું કરૂણ મોત
Rajasthan Road Accident : રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં રાસીસર ગામ નજીક ભારતમાલા જામનગર-અમૃતસર એક્સપ્રેસ હાઇવે પર SUV કાર અને ટ્રક વચ્ચે શુક્રવાર સવારે 4:30 કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગુજરાતના ડોક્ટર પરિવાર સહિત પાંચ લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં બે પુરુષ, બે મહિલા અને એક 18 મહિનાની બાળકીનો સમાવેશ છે. આ પરિવાર ભુજ-માંડવીના રહેવાસી છે.
આ દુર્ઘટનામાં બે ગુજરાતી પરિવારનો ભોગ લેવાયો છે. આ બંને પરિવારને શ્રીગંગાનગરથી પરત ફરતા સમયે રાજસ્થાનના બિકાનેર નજીક અકસ્માત નડ્યો હતો. આ તમામ લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દુર્ઘટના થતા જ કારમાં સવાર પાચેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. કારનો કાટમાળ હટાવવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
દુર્ઘટનામાં પાંચ લોકોના મોત
મૃતકોમાં ડૉ. પ્રતિકભાઈ ચાવડા, તેમની પત્ની ડૉ. હેતલબેન ચાવડા, ન્યાસા પ્રતિકભાઈ ચાવડા (18 મહિનાની બાળકી), ગુજરાત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. પુજા કરણભાઈ કષ્ટા અને તેમના પતિ કરણ કષ્ટાનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અકસ્માતને પગલે ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. અકસ્માતના પગલે કચ્છ અને માંડવીમાં શોકની લાગણી ફરી વળી છે. પરિવાર અને મિત્ર વર્તુળમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી
બનાવની જાણ થતાં જ પોલીસ અધિક્ષક તેજસ્વીની ગૌમત ઘટના સ્થળે પહોંચ્યા હતા. મૃતદેહોને પીએમ અર્થે નોખાની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.