નવા વર્ષના પહેલાં જ અઠવાડિયે ત્રીજીવાર ધ્રુજી કચ્છની ધરા, 3.6 ની તીવ્રતા સાથે નોંધાયો ભૂકંપ
Kutch Earthquake: ગુજરાતના કચ્છમાં આ એક અઠવાડિયામાં ત્રીજીવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. શનિવારે (4 જાન્યુઆરી) સાંજે 4:37 વાગ્યે 3.6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. કચ્છના દૂધઈથી 28 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયું છે. એક જ અઠવાડિયામાં ત્રીજીવાર ભૂકંપનો ઝટકો આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. આ પહેલાં શુક્રવારે (3 જાન્યુઆરી અને બુધવારે (1 જાન્યુઆરી) પણ ભૂકંપનો ઝટકો નોંધાયો હતો.
આ પણ વાંચોઃ 'બનાસકાંઠાનું જ નહી, બનાસ ડેરી-બનાસ બેંક સહિતની સહકારી સંઘનું વિભાજન કરો'
પહેલી અને ત્રીજી જાન્યુઆરીએ પણ ધ્રુજી ધરા
આ પહેલાં ગત રોજ (3 જાન્યુઆરી) સાંજે 4:16 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જેમાં રાપરથી લગભગ 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. પહેલી જાન્યુઆરીના દિવસે પણ કચ્છના અનેક વિસ્તારમાં 3.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતાં રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી. જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઑક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી.