'રૂપાલા ભાજપના કોઈપણ હોદ્દા પર હશે ત્યાં સુધી....', ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનનું મોટું નિવેદન
Lok Sabha Elections 2024: ગુજરાત સહિત 11 રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે થયું હતું. પરંતુ ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલાને લઈને હજુ પણ નારાજગી યથાવત્ છે. ક્ષત્રિય સમાજના આગેવાને કહ્યું કે જ્યાં સુધી પરશોત્તમ રૂપાલા ભાજપના કોઈ પણ હોદ્દા પર હશે ત્યાં સુધી અમે રૂપાલાનો વિરોધ કરીશું.
અમે રૂપાલાનો વિરોધ કરીશું : કરણસિંહ ચાવડા
દેશમાં સાત તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં પ્રથમ ત્રણ તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. મંગળવારે ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠક પર મતદાન થયું હતું. ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન થયુ હતું. જો કે ક્ષત્રિય સમાજનો પરશોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. મંગળવારે ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે 'સાત તારીખ સુધી અમારી એક જ માગ હતી અને અમે 25 દિવસ સુધી રાહ જોઈ હતી કે ભાજપ પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપો, સંકલન સમિતિ ફરીથી મળશે અને અમારી જે વાત હતી કે પરશોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના કોઇપણ સામાન્ય હોદ્દેદાર હશે ત્યા સુધી અમે પરશોત્તમ રૂપાલા સામે વિરોધ કરીશું, કારણકે તેમણે અમારી અસ્મિતા પર ઘા કર્યો છે.'
ગુજરાતમાં ભાજપ સાત બેઠકો ગુમાવશે: ક્ષત્રિય સંકલન સમિતિ
મતદાન પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સંકલન સમિતીએ પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો કે, ગુજરાતમાં ભાજપ સાત બેઠકો ગુમાવશે. જયારે ચાર બેઠકો પર ભારે રસાકસી છે. અન્ય બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવાના સપના પૂરા નહીં થાય. આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મત વિસ્તારમાં 80 ટકાથી વધુ મતદાન થયું છે. નિરસ મતદાનને કારણે ભાજપના કાર્યકરોએ થાળીઓ લઇને નીકળવુ પડ્યુ હતું. સંકલન સમિતીનો બોલ ક્ષત્રિય સમાજે ઝિલ્યો છે જેના કારણે વધુ મતદાન થયુ છે. ક્ષત્રિયોને અન્ય સમાજનો સાથ સહકાર મળ્યો છે. મતદાનના દિવસ સુધી કોઇ પણ અનિશ્ચિય ઘટના કે ઘર્ષણ થયું નથી. અનેક સ્થળોએ સભા થઈ પરંતુ પ્રજાને તકલીફ પડી નથી. જો તકલીફ પડી હોય તો ક્ષત્રિય સંકલન સમિતિ માફી માંગે છે.