'હવે માફીનો અર્થ શું, જો અફસોસ હતો તો...' મતદાન બાદ રૂપાલાની માફી પર ક્ષત્રિયોનો જવાબ
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂરું થઇ ગયું છે અને સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ખાસ વાત એ છે કે ભાજપના નેતા અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજ્યમાં ક્ષત્રિયો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદને ચૂંટણી વચ્ચે નવો વિવાદ સર્જ્યો હતો.
'હવે માફીનો અર્થ શું, જો અફસોસ હતો તો...'
જયારે હવે ગુજરાતમાં ચૂંટણી પૂરી થઇ ગયા બાદ પણ રૂપાલાએ ફરી માફી માંગી હતી. તેના જવાબમાં ક્ષત્રિય સમાજે કહ્યું- 'હવે આ સમયે માફીનો અર્થ શુ... જો અફસોસ હતો. તો સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાનું જાહેર કરી દેવું જોઈતું હતું.'
આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું કે હવે ચૂંટણી પૂરી થઈ ગઈ, અમે આંદોલનને વિરામ આપી દીધો છે ત્યારે આવી માફીનો અર્થ કોઈ રહેતો નથી. અમે ભાજપ પાસે કોઈ માંગણી ન્હોતી કરી, માત્ર રૂપાલાની ટિકીટ કપાય તે એક જ માંગ હતી અને તે પૂરી કરી હોત તો એક પણ વાર માફી માંગવાની જરૂર ન રહેત અને ક્ષત્રિય સમાજ ભાજપની સાથે જ રહેત.
શું બોલ્યાં પરશોત્તમ રૂપાલા
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધને લઈને પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ વખતની લોકસભા ચૂંટણીમાં જે રીતે વિરોધ થયો તે માટે હું જ જવાબદાર છું. મારા કારણે પાર્ટીને ખૂબ નુકસાન થયું છે. મારા માટે આ કપરો સમય વીત્યો. આ સાથે રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહેતા ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી હતી. હું મારા નિવેદનને લઈને શર્મિંદા છું. મારે આવી ટિપ્પણી કરવાની જરૂર નહોતી. આખી ઘટનાનો કેન્દ્ર બિંદુ હું રહ્યો છું.
ક્ષત્રિયો મુદ્દેનું નિવેદન મારી ભૂલ : રૂપાલા
રૂપાલાએ મતદાન પૂરું થયા પછી કહ્યું કે ક્ષત્રિય સમાજ અંગે કરેલી મારી ટિપ્પણી એક મોટી ભૂલ સાબિત થઇ અને તેને લઈને હું દિલથી માફી માગી રહ્યો છું. હું ફરી એકવાર ક્ષત્રિય સમાજના લોકોને દેશના વિકાસમાં ફાળો આપવા અને આગળ વધવા અપીલ કરું છું. ઉલ્લેખનીય છે કે રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી જેના બાદથી ભાજપનો ચારેકોરથી વિરોધ થવા લાગ્યો હતો અને હવે ક્ષત્રિયો હજુ પણ મતદાન થઈ જવા છતાં પીછેહઠ કરવા માગતા નથી અને તેઓએ ચેતવણી ઉચ્ચારતાં કહી દીધું છે કે અમે રૂપાલાએ ભાજપના કોઈ હોદ્દે જોવા માગતા નથી.