હવે અમારા વિરોધનો પાર્ટ-2 શરૂ થશે: રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પી.ટી. જાડેજાની જાહેરાત
Lok Sabha Elections 2024: રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ વિરોધના વંટોળ વચ્ચે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ રૂપાલા સામે વિરોધનો પાર્ટ-2 શરૂ કરવા અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
ક્ષત્રિય સમાજની એક જ માગ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે
ક્ષત્રિય સમાજ એક જ માગ કરી રહ્યો છે કે, રાજકોટ બેઠકથી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જેને લઈને રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ જાયઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, ‘અમારે ભાજપ સાથે કોઈ વાંધો નથી, અમે તેમના સમર્થનમાં છીએ. અમારી એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જે રૂપાલા પોતાની ઉમેદવારી પાછી નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજના વિરોધના પાર્ટ-2 માટે આગળની વ્યૂહનીતિ ઘડીશું'
રૂપાલાએ ક્ષત્રિયોને અપીલ કરી
ઉલ્લેખનીય છે કે, રૂપાલાએ બે વખત માફી માગી હતી તેમ છતાં પણ હજુ સુધી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. આ દરમિયાન આજે રાજકોટમાં રૂપાલા ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પેહલા રૂપાલાએ એક સંબોધન કર્યું હતું જેમાં તેમણે ક્ષત્રિયોને અપીલ કરતા કહ્યું હતું કે 'આજે જે ક્ષત્રિય આગેવાનોએ સમર્થન આપ્યું છે એ તમામનો આભાર, હું તમામ ક્ષત્રિયોને પણ નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે તમે પણ દેશના હિત માટે ભાજપ સાથે જોડાઓ.'