Get The App

'પાંચ ક્ષત્રિય મહિલાઓને દિલ્હી મોકલો...', પાટણમાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દશરથબાનું મોટું નિવેદન

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
'પાંચ ક્ષત્રિય મહિલાઓને દિલ્હી મોકલો...', પાટણમાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દશરથબાનું મોટું નિવેદન 1 - image


Parshottam Rupala Controversy : રાજકોટમાં મહારેલી, ધંધુકામાં મહાસંમેલન, ખંભાળિયામાં પાટિલના કાર્યક્રમમાં અને થાનગઢની ભાજપની સભામાં તોડફોડ અને હંગામો, અનેક ગામોમાં ભાજપને પ્રવેશબંધી વગેરે સિલસિલાબંધ ઘટનાઓથી ક્ષત્રિયો ઝૂકવાના મુડમાં નથી અને રોષ વધતો જાય છે ત્યારે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી ભાજપે યથાવત્ રાખી છે. આ વચ્ચે પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના રાજપૂતોએ પાટણમાં આજે (10 એપ્રિલ) રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કર્યું હતું.

મોટી સંખ્યામાં ક્ષત્રિયો સંમેલનમાં રહ્યા ઉપસ્થિત

રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના અપમાનજનક નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ટિકિટ રદની માંગ કરાઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. જેમાં 5 હજારથી વધુ સંખ્યામાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના રાજપૂતો એકઠા થયા હતા. રાજ્યભરના રાજપૂત સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો તેમજ મહિલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામે ક્ષત્રિય સમાજના લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કોઈ સ્ટેજ ઉપર નહોતા બેઠા. કોઈ સન્માન ન યોજાયું. માત્ર એક જ મુદ્દાની માંગ સાથે ક્ષત્રિય આગેવાનોએ સંબોધન કર્યું. અન્ય કોઈ કાર્યક્રમ પણ ન યોજાયો.

પાંચ ક્ષત્રિય મહિલાઓને દિલ્હી મોકલવા દશરથબાની અપીલ

ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દશરથબા પરમારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે પાંચ ક્ષત્રિય મહિલાઓને દિલ્હી મોકલવા ક્ષત્રિય સંકલન સમિતિ પાસે પરવાનગી માગી છે. તેમણે કહ્યું કે, 'દિલ્હી જઈ વડાપ્રધાન મોદીને મળીને ક્ષત્રિય મહિલાઓ રજૂઆત કરે.' દશરથબાએ વધુમાં કહ્યું કે, 'ગુજરાતના 26 બેઠકો પર 100-100 ઉમેદવારી પત્ર ભરાવા જોઈએ.'

ક્ષત્રિય સમાજ દ્વારા કહેવાયું છે કે, જો મહાસંમેલનો બાદ પણ ભાજપ હાઈકમાન્ડ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો રાજકોટ ક્ષત્રિયોની રણભૂમિ બનશે. જેમાં ફોર્મ ભરવાથી લઈ મતદાનના દિવસ સુધી ક્ષત્રિય સમાજ દ્વારા આશ્ચર્યચકિત કાર્યક્રમો કરાશે.

13 એપ્રિલે હિંમતનગરમાં મહાસંમેલન

ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 'પાટણ બાદ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર આ ત્રણ જિલ્લાનું સંયુક્ત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન આગામી 13 એપ્રિલના રોજ હિંમતનગર ખાતે યોજાશે.'


Google NewsGoogle News