Get The App

અકસ્માત સર્જનાર કાર ચાલકની નફ્ફટાઇ: કહ્યું, "મરી તો નથી ગયો ને..!"

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
અકસ્માત સર્જનાર કાર ચાલકની નફ્ફટાઇ: કહ્યું, "મરી તો નથી ગયો ને..!" 1 - image


વડોદરા શહેરના ગેંડા સર્કલ વિસ્તારમાં ડિવાઇડર વટાવીને જીપ કાર સામેની તરફ ઉભેલી ઇકો કારમાં જઇને ભટકાઇ હોવાની ઘટના ગતરાત્રે સામે આવી હતી. જેને પગલે લોકટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટના સમયે સ્થળ પર હાજર લોકોએ અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરી હતી. બાદમાં ઘટના સમયનો વીડિયો સપાટી પર આવ્યો હતો. જેમાં એમ્બ્યુલન્સમાં જતો શખ્સ નફ્ફટાઇ પૂર્વક લોકોને કહે છે કે, મરી તો નથી ગયો ને..! હવે આવા તત્વો પર લગામ કસવા માટે તંત્ર શું પગલાં ભરે છે? તે જોવું રહ્યું.

ગોરવા પોલીસ મથકમાં જયદેવ મહેશભાઇ માળીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ઇકો કારનો રોજીંદા ઉપયોગમાં વપરાશ કરે છે. ગતરાત્રે તેઓ કારમાં ગેસ પુરાવવા માટે બરોડા સેન્ટ્રલ મોલ સામે, ગેંડા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન સામેની સાઇડનું ડિવાઇડર કુદાવીને જીપ તેમની કારમાં ભટકાઇ હતી. ટક્કર એટલી જોરાદાર હતી કે, મોટો ઘડાકો થયો હતો. જેને પગલે લોકટોળા એકત્ર થઇ ગયા હતા.

બાદમાં અકસ્માત સર્જનાર જીપનો ચાલક ત્યાં જ વાહન છોડીને જતો રહ્યો હતો. અકસ્માતનો ભોગ બનનારે અકસ્માત સર્જનાર વિરૂદ્ધમાં ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના બાદ સોશિયલ મીડિયા માધ્યમથી અનેક વીડિયો સપાટી પર આવ્યા હતા. જેમાં એક વીડિયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ નશાની હાલતમાં જણાતો યુવાન અકસ્માત બાદ ભેગી થયેલી ભીડને સ્ટ્રેચરમાંથી ઉભો થઇને કહે છે કે, મરી તો નથી ગયો ને..! જેને પગલે લોકો વધુ રોષે ભરાય છે અને બેજવાબદાર ચાલકને ભાન કરાવવા માટે ઉગ્ર સ્વરે પ્રત્યુત્તર આપે છે. 


Google NewsGoogle News