વર્ષો પહેલાં પ્રેત ભોજન તરીકે ખવાતી ઘારી હાલ પ્રીત ભોજન બની ગઈ, જાણો સુરતની ટ્રેડમાર્ક બનેલી ઘારીનો ઇતિહાસ
Ghari Sweet : આવતીકાલે ચંદની પડવાનો તહેવાર એટલે સુરતીઓનો પોતાનો તહેવાર આ દિવસે સુરતમાં ઘારી ખાવાનો અનોખો મહિમા છે. હાલમાં સુરત માટે ઘારી એક મીઠાઈ નહીં પરંતુ સુરતી તહેવારની ઓળખ બની ગઈ છે. પરંતુ આજની આ મોભાદાર મીઠાઈ જે હાલ પ્રીતિ ભોજન છે તે વર્ષો પહેલાં પ્રેત ભોજન (મરણ પ્રસંગે) હતી તે ઘણા ઓછા સુરતીઓ જાણે છે. વર્ષો પહેલા સુરતમાં મરણ પ્રસંગે મગજ સાથે ઘારી પણ બનાવવામાં આવતી હતી. આ ઉપરાંત સુરતની ઘારી અને 1857ના વિપ્લવને સંબંધ હશે તે પણ ઘણા ઓછા સુરતીઓ જાણતા હશે, સુરતમાં વિપ્લવ વખતે તાત્યા ટોપેના લશ્કરે સામુહિક ઘારી ખાધી હતી. ત્યારથી સામુહિક ઘારી ખાવાની પરંપરા પણ શરૂ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
સુરતની ઘારી અને 1857ના વિપ્લવને સંબંધ છે તેવું અનેક સુરતીઓ કહે છે, ઈતિહાસ જાણતા સુરતીઓ કહે છે, સુરતની ઘારીનો સંબંધ 1857ના વિપ્લવ સાથે જોડાયેલો છે. તે વખતે આસો વદ પડવો હતો અને તાત્યા તોપેના લશ્કરે સુરતમાં સામૂહિક રીતે ઘારી ખાધી હતી. ત્યારથી સુરતમાં પડવાના દિવસે ઘારી ખાવાની પરંપરા શરૂ થઈ હતી અને તે આજે પણ યથાવત જોવા મળે છે.
સુરતીઓની આ ઘારી દેશ વિદેશમાં પ્રખ્યાત છે એટલું જ નહી પરંતુ આજે ઘારી સુરતની ટ્રેડિશનલ મીઠાઈ બની છે અને તે હવે ઘણી મોંઘી પણ થઈ છે. જોકે, સુરતની ઓળખ બનેલી મીઠાઈનો વર્ષો પહેલા ઉપયોગ પ્રેત ભોજન (મરણ પ્રસંગે) થતો હતો. આજે જે રીતે લોકો એન્જોય કરી પરિવાર કે ફ્રેન્ડ સર્કલ સાથે ઘારી સમુહમાં ખાઈ છે તે ઘારી મરણ પ્રસંગે સમૂહમાં ખવાતી હતી. વર્ષો પહેલા સુરતમાં કોઈનું મરણ થયું હોય ત્યારે વિધિ એટલે કે બારમા-તેરમાના દિવસે મગજ કે ઘારી બનાવી પીરસવામાં આવતી હતી. તે સમયે ઘારી પ્રેત ભોજન ગણવામાં આવતી હતી. પરંતુ સ્વાદના શોખીન સુરતીઓને ઘારીનો ટેસ્ટ એવો વળગ્યો કે ઘારી પ્રેત ભોજનમાંથી હવે પ્રીત ભોજન બની ગઈ છે. અને આજે સુરતમાં કરોડો રૂપિયાની ઘારી એક બે દિવસમાં જ વેચાણ થઈ રહ્યું છે. એક સમયે મરણ પ્રસંગે ખવાતી ખારી હવે ચંદની પડવામાં વીઆઈપી બની ગઈ છે અને અન્ય મીઠાઈ કરતાં વધુ કિંમતમાં ઘારીનું વેચાણ થઈ રહ્યું છે અને આ ઘારી ખરીદવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં પણ ઉભેલા જોવા મળે છે.