જાણો, ૧૩૫ વર્ષ પહેલા ગુજરાતના આ ગામમાં અંગ્રેજોએ કેમ રામ મંદિર બનાવ્યું હતું ?
રામ, લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ પેરિસના શિલ્પકાર પાસે તૈયાર કરાવી હતી
બ્રિટિશ સરકારે મંદિરના પૂજારીને સિપાહીના ગ્રેડ જેટલો પગાર આપતી હતી
અમદાવાદ,22 જાન્યુઆરી,2024,સોમવાર
ઐતિહાસિક રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી દેશનો માહોલ રામમય બન્યો છે. લોકો સ્થાનિક રામજી મંદિરમાં જઇને પૂજા અર્ચના કરી રહયા છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ના નવાગામમાં બે માળનું રામજી મંદિર ૧૮૮૮ આસપાસ અંગ્રેજોએ બનાવ્યું હતું. રામ, લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓ પેરિસના શિલ્પકાર પાસે બનાવડાવી હતી. ભારતીય પ્રજા માટે બ્રિટીશરોની મોટા ભાગની યાદ એક કડવા સંભારણા સમાન છે પરંતુ અહીં અંગ્રેજોના અલગ મિજાજના દર્શન થાય છે.
મંદિરના પુજારી પરીમલભાઇના જણાવ્યા અનુસાર અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાની તૈયારીના ભાગરુપે ૧૫ જાન્યુઆરીએ ગામ લોકોએ શોભાયાત્રા અને કળશયાત્રા કાઢી હતી. ૨૨ જાન્યુઆરીએ સવારે આરતી અને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવશે. લોકો રોજગાર ધંધા બંધ રાખીને આખો દિવસ ચાલનારી રામધૂનમાં જોડાશે. સાંજે દિવાઓ પ્રગટાવીને મંદિરમાં અજવાશ પાથરવામાં આવશે.અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠા થઇ રહી છે તેનો ગામ લોકોમાં ખૂબજ ઉત્સાહ જોવા મળે છે.
મંદિર નિર્માણમાં મલબારી સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ
ગામના વયોવૃધ્ધ સ્વ પ્રભુદાદાએ નોંધ કરી હતી કે એ સમયે ચાંદી દશ આનાની એક તોલો હતી. ભગવાનને ચાંદીના મુગટનો શણગાર પણ કરવામાં આવ્યા હતા. જો કે પછીથી ભીખા સગરામ નામના એક ગૃહસ્થે મંદિર અને ભગવાનના ઘરેણાના ખર્ચ પેટે સવા લાખ રુપિયા ચુકવ્યા હતા. હિંદુઓ માટે પૂર્વ દિશા અને ઉગતા સૂર્યનું વિશેષ મહત્વ હોવાથી અંગ્રેજોએ મંદિર ગામની પૂર્વ દિશામાં બનાવવામાં આવ્યું હતું. રામજી મંદિર મલબારી સાગ અને સિસમના લાકડામાંથી તૈયાર કરાયું છે. લાકડામાં કરવામાં આવેલું ઝીણું નકશીકામ આજે પણ ધ્યાન ખેંચે છે. ૨૨ જુન ૧૯૮૮માં રામજી મંદિરની પુર્ન પ્રતિષ્ઠા થઇ હતી.
મંદિરના પુજારીને બ્રિટિશ સરકાર પગાર આપતી હતી
ગામના વડિલોના જણાવ્યા અનુસાર અંગ્રેજોએ બંધાવેલા આ રામજી મંદિરના પહેલા પૂજારી ઉમિયાશંકર ભટ્ટ હતા. તેમના વારસદારોનેે એ વાતનું આજે પણ ગૌરવ છે. બ્રિટિશ સરકાર મંદિરના પૂજારીને પગાર આપતી હતી. તેમને વર્ગ -૪ના કર્મચારી તરીકે સિપાહીનો ગ્રેડ આપવામાં આવતો હતો એટલું જ નહી નિવૃત થતા ત્યારે પેન્શન લાભ પણ મળતો હતો. આઝાદી પછી કેન્દ્વ સરકારના હિંદુસ્તાન સોલ્ટ દ્વારા પગાર આપવાની પરંપરા થોડાક વર્ષો સુધી ચાલુ રહી હતી. મંદિરના બાંધકામ માટે ગામ લોકોના સલાહ સૂચનથી મંદિરને અડીને પૂજારીનું ઘર તૈયાર કર્યુ હતું. મુસાફરખાનુ ઉપરાંત ગાયોના નિર્વાહ માટે ઘાસ ભરવાનો ઓરડો પણ બંધાવ્યો હતો.