ચોટીલામાં અશ્વ ટ્રેન પર પર છરી વડે હુમલો : ચાર સામે ગુનો નોંધાયો
- પડતર જમીન પર અશ્વ બાંધવાને લઇ વાત વણસી
- ભત્રીજાને બચાવા મોટા બાપુ વચ્ચે પડતા આરોપીઓએ લોખંડની પાઈપ મારી
સુરેન્દ્રનગર : ચોટીલા શહેરી વિસ્તારમાં આવેલ જૈન સમાજની વાડીની પડતર જગ્યામાં ગેરકાયદેસર રીતે પશુુઓ તેમજ વાહનો રાખવા બાબતનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ છરી, લોખંડનો પાઈપ સહિતના હથીયારો વડે બે વ્યક્તિને ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા ચોટીલા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ચોટીલા શહેરી વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર ખાતે રહેતા અને અશ્વ ટ્રેનર તેમજ ફરિયાદી મયુરભાઈ માલાભાઈ ખટાણાના મકાનની બાજુમાં આવેલી જૈન સમાજની વાડીની પડતર જગ્યામાં પ્રતાપભાઈ જળુ નામના વ્યક્તિએ એક વર્ષ પહેલા પોતાની ભેંસો ત્યાં બાંધી હતી. આ જગ્યા ખાલી થઈ જતા મયુરભાઈ આ જગ્યામાં પોતાના ઘોડાઓ બાંધતા હતા. જે બાબતનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ કારમાં આવી ફરિયાદીને છરીના ઘા ઝીંક્યા હતા તેમજ લોખંડના પાઈપ વડે ઈજાઓ પહોંચાડી હતી. ભત્રીજાને મારથી બચાવા ફરિયાદીના મોટાબાપુ વચ્ચે બચાવવા પડતા આરોપીઓએ તેમને પણ લોખંડનો પાઈપ મારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ ચોટીલા પોલીસ મથકે ચાર શખ્સો પ્રતાપભાઈ બાવકુભાઈ જળુ, ઉદયભાઈ ભરતભાઈ ખાચર, રવિભાઈ ભરતભાઈ ખાચર (તમામ રહે.ચોટીલા) અને એક અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.