અટલાદરામાં જૂના કેસની અદાવતે છરીથી હુમલો
ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી
વડોદરા,અટલાદરામાં જૂના કેસની અદાવત રાખી છરીથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અટલાદરા પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા મનુભાઇ મંગળભાઇ સોલંકીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી સોસાયટીમાં રહેતા ભાઇલાલભાઇ કંચનભાઇ તડવી સાથે અગાઉ અમારે ઝઘડો થયો હતો. જેનો કોર્ટ કેસ હજી ચાલે છે. તેની અદાવત રાખી તેઓ અવાર નવાર અમને ગાળો બોલી ધમકીઓ આપે છે. પરંતુ, અમે તે વાતને નજર અંદાજ કરતા હતા. ગત તા. ૦૯ - ૦૨ - ૨૦૨૫ ના રોજ સવારે સાડા આઠથી પોણા નવ વાગ્યાની આસપાસ હું મારા ઘરની બહાર બાઇક ધોવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન ભાઇલાલભાઇ અમને ગાળો બોલ્યા હતા. પરંતુ, મેં કોઇ ધ્યાન આપ્યું નહતું. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે મારો નાનો દીકરો તેની મમ્મીને કામે મૂકવા જતો હતો. તે દરમિયાન ભાઇલાલભાઇએ નશો કરીને આવીને અગાઉના ઝઘડાની અદાવત રાખી છરીથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.