Get The App

સરકારના સહાય પેકેજને કિસાન મોરચાએ કમલમ છાપ લોલીપોપ ગણાવી, એક હેક્ટરનો ખર્ચ પણ ન નીકળે

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
સરકારના સહાય પેકેજને કિસાન મોરચાએ કમલમ છાપ લોલીપોપ ગણાવી, એક હેક્ટરનો ખર્ચ પણ ન નીકળે 1 - image


Relief package Like Lollipop: ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ત્યારે  સરકારે ખેડૂતો માટે જાહેર કરેલી સહાય અંગે વિવિધ સંગઠનોના ખેડૂત આગેવાનોએ આ સહાયને અપૂરતી ગણાવી છે. આ નજીવી સરકારી સહાયથી એક હેક્ટરનો ખર્ચ પણ નીકળે તેમ નથી, ખેડૂતોની આવકમાં થયેલી નુકસાનીનું વળતર તો દૂરની વાત છે. 

ભારતીય કિસાન સંઘની દ્રષ્ટિએ મુખ્યમંત્રી કિસાન સહાયથી પણ ઓછી 

કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયા તથા અન્ય ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘આ કમલમ છાપ લોલીપોપથી વિશેષ નથી, જ્યારે 14 હજાર કરોડથી વધુનું નુકસાન ગયું હોય ત્યારે 1400 કરોડની સહાયથી ખેડૂતોને કોઈ રાહત મળે તેમ નથી. એટલું જ નહીં, 15 જિલ્લાના 104 તાલુકામાં અતિવૃષ્ટિ થઈ હોવા છતાં સરકારે નિયમ પ્રમાણે આશરે દસ હજાર કરોડનું પાકધિરાણ માફ ન કરવું પડે અને પશુ સહાય પણ આપવી ન પડે, એ માટે આવી ચાલાકી કરી છે.’ 

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે 1418 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત, 33 ટકાથી વધુ નુકસાન હશે તેમને નિયમ પ્રમાણે મળશે મદદ

ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે ‘જાહેર થતી સહાય ચૂકવવામાં પણ ધાંધિયા થાય છે. 2019માં ૩750 કરોડની ખેડૂત સહાય જાહેર કરાઈ પણ પછી વિધાનસભામાં કબૂલ્યું હતું કે 1240 કરોડની જ સહાય અપાઈ છે. તો પડધરી પંથકના ખેડૂત આગેવાન રમેશ હાપલિયા, મનોજ ડોબરિયાએ જણાવ્યું હતું કે 33 ટકાથી વધુ નુક્સાન હોય તો રૂ 22 હજાર અને 66 ટકાથી વધુ નુકસાન હોય તો રૂ. 66 હજારની સહાયની ગાઈડલાઈન છે. આ ઉપરાંત સરકારે 33 ટકાથી ઓછું નુકસાન હોય તેવા ખેડૂતો માટે સહાય જાહેર કરી નથી.  

આ સહાયથી ખેડૂતોએ ગુમાવેલી આવકની વાત તો દૂર, ખેતી માટે જે ખર્ચ કર્યો છે તે પણ નીકળે તેમ નથી. ગુજરાતના ખેડૂતોની એ કમનસીબી છે કે આજે ખેડૂતો માટે સરકાર પાસે એક પણ યોજના નથી. મુખ્યમંત્રી કિસાન સહાય ત્રણ વર્ષથી બંધ છે. ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ કણસાગરાએ જણાવ્યું હતું કે ‘સરકારની સહાય ઘણી અપૂરતી છે, થોડી રાહત મળે પણ ખેડૂતનો ખર્ચ પણ નીકળે તેમ નથી. તેથી સહાય વધારવી જોઈએ.’ 


Google NewsGoogle News