ઓલપાડ કાંઠા શુગરના પ્રમુખપદેથી કિરીટ પટેલે રાજીનામું ધરી દેતા ખેડૂતોમાં ભારે રોષ
Image Source: Freepik
સુરત. તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની કાંઠા સુગર ફેકટરીના પ્રમુખપદેથી માજી ધારાસભ્ય એવા કિરીટ પટેલે એકાએક રાજીનામું મૂકી દેતા ખેડૂતોમાં આક્રોશ ફેલાવાની સાથે રૂપિયા ક્યાંથી ચૂકવાશે? તેને લઈને પ્રશ્ન ઊભા થનાર છે.
રાજ્ય સરકાર એકબાજુ બંધ થયેલી શુગર મિલોને ફરી શરૂ કરી રહી છે ત્યારે ઓલપાડ ના સરસ રોડ પર આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીનું છેલ્લા દસ વર્ષ થી વધુ સંચાલન કરનાર પ્રમુખ કિરીટ પટેલ મંડળીમાંથી એકાએક રાજીનામું આપી દેતા ઓલપાડ પંથક માં ચર્ચાનો વિષય શરૂ થયો છે.ખેડૂતોમાંથી થતી ચર્ચા મુજબ મંડળીના ગેરવહીવટના કારણે શુગર મિલ બંધ થાય તો નવાઇ નહિ.ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે ગત વખતની શેરડીના પાક નો હજુ છેલ્લા હપ્તો ચૂકવ્યો નથી. જેના અંદાજે પાંચ થી 10 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.જેના કારણે આ વર્ષે ખેડૂતોએ શેરડીનો પાક બીજી શુગર મિલોને આપી દેતા આ પ્રશ્ન આવ્યો છે. હવે પ્રમુખે રાજીનામું આપી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો એ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કરોડો રૂપિયા ક્યાંથી ચૂકવાશે તે એક પ્રશ્ન છે.
પ્રમુખના રાજીનામા ને લઈને આજે બેઠક
કિરીટ પટેલ રાજીનામું આપી દેતા આ રાજીનામું સ્વીકારવું કે નહિ તેને લઈને મંડળીની સરસ રોડ પર આવેલી ઓફિસમાં આવતીકાલ સોમવારે વ્યવસ્થાપક સમિતિની બેઠક મળનારી છે.જેમાં રાજીનામાને લઈને નિર્ણય લેવાશે.
40 હજાર થી વધુ ઉત્પાદક અને બિન ઉત્પાદકે ખરીદેલા શેર નું શું થશે?
ઓલપાડ કાંઠા શુગર જ્યારે શરૂ કરવાની હતી ત્યારે મંડળી દ્વારા શેર બહાર પાડવામાં આવ્યા હતા.જેમાં જે શેરડીનું ઉત્પાદન કરે તે ખેડૂતની સાથે બિનઉત્પાદક ને પણ શેર ઇસ્યૂ કરાયા હતા.તે વખતે મોટી સંખ્યામાં બિન ઉત્પાદકોએ શેર ખરીદ્યા હતા. આ આકડો અંદાજે ૪૦ હજાર નો હોવાનું ખેડૂતોથી જાણવા મળ્યું છે. આથી આ શેરધારકોને શું થશે તેતો આવનાર દિવસોમાં જ ખબર પડશે.
સરકાર પણ એક્શન લે તો નવાઈ નહી?
અંદાજે 10 વર્ષ અગાઉ જ્યારે મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા. તેમણે આ મિલ ની ઉદઘાટન કર્યું હતું.ખેડૂતોમાંથી મળતી માહિતી મુજબ સરકારે 20 કરોડ આપ્યા હતા. આથી આ બાબતે સરકાર પણ એક્શન લેતો નવાઈ નહિ.