Get The App

ગુજરાતનો હચમચાવતો કિસ્સો, ડાકણ હોવાનો વહેમ રાખી મહિલાની ગોળી મારી હત્યા કરાઈ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
Killed a Woman Under The Oath of a Witch


Killed a Woman Under the Suspicion of Being a Witch:  ગુજરાતમાં હાલ સ્ત્રી શક્તિના નવરાત્રિની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ એવો પણ વિરોધાભાસ માહોલ જોવા મળી રહ્યો છે જ્યાં સ્ત્રીની જ ડાકણનો વહેમ રાખીને હત્યા કરવામાં આવી રહી છે. ભિલોડા તાલુકાના રામપુરી ગામે બે બાળકોની માતા સામે ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુંટુંબીએ મહિલાને બંદૂકથી ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. 

પોલીસ કાફલો દોડી આવ્યા,ફરાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ

આ ચકચારી ઘટનાને પગલે પોલીસની ટીમો દોડી આવી હતી. આરોપી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે 3 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

સોમવારની રાત્રે ભિલોડા તાલુકાના રામપુરી ગામે રહેતા એક પરિવારની મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખી તેના જ કુંટુંબીએ રાત્રે બે વાગ્યાના સુમારે ઘરની ચોપાળમાં સૂઈ રહેલી બે બાળકોની માતાને ગોળી ધરબી દેતાં મહિલાનું મોત નીપજયું હતું. 

આ ચકચારી ઘટનાને પગલે જિલ્લા ડીવાયએસપી સહિત એસઓજી, એલસીબીની ટીમો સ્થળ ઉપર દોડી પહોંચી હતી અને ફાયરિંગ કરી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ફરાર આરોપી રાજેન્દ્ર તબીયારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

માતૃશક્તિની આરાધના શ્રદ્ધાપર્વ ટાણેજ અંધશ્રદ્ધાથી હત્યા કરાઈ

રાત્રીના બે વાગે બંદૂકના ભડાકાને લઈને આ મહિલાની પાસે સૂતેલા બે બાળકો જાગી ઉઠયા હતા અને તુરંત લાઈટ ચાલુ કરતાં આ આરોપી રાજેન્દ્ર તબીયાર બંદૂક હાથમાં લઈ ઉભો હતો. ભારે ધડાકાને પગલે આસપાસના લોકો પણ જાગી ઉઠયા હતા અને તાબડતોડ આ બંદૂકની ગોળીથી ઘવાયેલી મહિલા ભિલોડા કોટજ હોસ્પિટલે ખસેડાઈ હતી. 

ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી અને ભિલોડા પોલીસે ફરાર આરોપી રાજેશ ઉર્ફે રાજેન્દ્રભાઈ નાનજીભાઈ તબીયાર રહે. રામપુરી વિરૂધ્ધ ભારતીય નાગરિક સંહિતા, હથિયારધારા તેમજ જી.પી.એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો: નવરાત્રિમાં વધુ એક હૈવાનિયત, વડોદરા બાદ સુરતમાં સગીરાને 3 નરાધમોએ પીંખી નાખી

તું તો ડાકણી છે, તને તો મારી નાખવાની છે...

45 વર્ષિય મહિલાને ડાકણ હોવાનો વહેમ રાખી રાજેશ ઉર્ફે રાજેન્દ્ર તબીયાર અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. તું તો ડાકણી છે અને તને તો મારી નાખવાની છે તેમ કહી ત્રાસ આપતા આ આરોપી વિરૂધ્ધ આ પરિવારે અગાઉ પણ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.

2017-2021 સુધીમાં ડાકણનો વહેમ રાખી 18 મહિલાની હત્યા થઈ 

એનસીઆરબીના વર્ષ 2017થી 2021ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કુલ 18 મહિલાની ડાકણનનો વહેમ રાખીને હત્યા થઈ છે. ગામ કે પરિવારમાં કોઈ નાની વયની વ્યક્તિનું આકસ્મિક મોત થાય ત્યારે અંધશ્રદ્ધામાં રાચતો પરિવાર ઘરની કે ગામની એકાદ મહિલાને ડાકણ માની તે ખાઈ ગઈ છે તેમ કહી તેની હત્યા કરે છે. આ હત્યામાં એક વ્યક્તિથી લઈને અનેક લોકો જોડાયેલા હોય તેવું પણ બને છે. જેને પાછળથી મોબલિન્ચિંગનું નામ આપી દેવાય છે. ડાકણ માની લેવાયેલી સ્ત્રી સાથે ક્રુર અને અમાનવીય વર્તન કરવામાં આવે છે.

ગુજરાતનો હચમચાવતો કિસ્સો, ડાકણ હોવાનો વહેમ રાખી મહિલાની ગોળી મારી હત્યા કરાઈ 2 - image


Google NewsGoogle News