અમરોલીના રજવાડી પ્લોટ નજીક રાખડીના ધંધાના રૂ. 17 લાખની લેતીદેતી મુદ્દે પિતાની નજર સામે યુવાન પુત્રનું અપહરણ
- ગણતરીની મિનીટોમાં પોલીસે સાયણ ચેક પોસ્ટ પાસેથી રાજકોટના વેપારી પિતા-પુત્ર સહિત પાંચ અપહરણકારને ઝડપી પાડયા
- બહારથી આવી પાર્કીંગમાં કાર પાર્ક કરી પિતા પાસે ઉભો હતો ત્યારે પિતા-પુત્ર સહિત પાંચેય ઘસી આવી માર મારી ઉંચકીને કારની ડિક્કીમાં બેસાડી અપહરણ કર્યુ હતું
સુરત
અમરોલીની સ્વીટ હોમ રેસીડન્સીના ગેટ પાસેથી ગત રાતે 72 વર્ષીય પિતાની નજર સામે પુત્રને માર મારી ક્રેટા કારની ડિક્કીમાં બેસાડી અપહરણ કરી ભાગી જતા અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે પોલીસે ગણતરીની મિનીટોમાં જ સાયણ ચેક પોસ્ટ રાખડીના ધંધાના રૂ. 17 લાખની લેતીદેતી મામલે અપહરણ કરનાર રાજકોટના વેપારી પિતા-પુત્ર સહિત પાંચને ઝડપી પાડી અપૃહ્રતને હેમખેમ મુકત કરાવ્યો હતો.
અમરોલીના રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસીડન્સીમાં રહેતા પ્રવિણચંદ્ર મણીલાલ ગઢીયા (ઉ.વ. 72 મૂળ રહે. મંગલમ સોસાયટી, જેસર રોડ, સાવરકુંડલા, જી. અમરેલી) ગત રાતે 9 વાગ્યે રેસીડન્સીના ગેટ નં. 1 પાસે ઉભા હતા. ત્યારે તેમનો મોટો પુત્ર યોગેશ (ઉ.વ. 40) કાર લઇને આવ્યો હતો અને પાર્કીંગમાં કાર પાર્ક કરી પિતા પ્રવિણચંદ્ર પાસે ઉભો હતો. આ અરસામાં એક આધેડ સહિત પાંચેક જણા ઘસી આવ્યા હતા અને યોગેશને માર મારી ઉંચકીને રોડની સામે પાર્ક ક્રેટા કારની ડિક્કીમાં બેસાડીને અપહરણ કરી ભાગી ગયા હતા. જેને પગલે વૃધ્ધ પિતા પ્રવિણચંદ્રએ તુરંત જ પરિવારને અને ત્યાર બાદ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ દોડી આવી હતી. વૃધ્ધ પિતાની નજર સામે પુત્રને માર મારી અપહરણની ઘટનાને અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી. વનાર અને પીએસઆઇ હર્ષીસ પટેલે ગંભીરતાથી લઇ તુરંત જ સીસીટીવી સર્વેલન્સ અને મોબાઇલના લોકેશન તથા કાર નંબરના આધારે તપાસ હાથ ધરી ગણતરીની મિનીટોમાં સાયણ ચેક પોસ્ટ પાસેથી અપહરણ કરનાર રાખડીના વેપારી પ્રવિણ ઘેટીયા અને તેના પુત્ર હાર્દિક ઘેટીયા અને તેમના ત્રણ સાથીદાર મળી પાંચની ધરપકડ કરી અપૃહ્રત યોગેશ ગઢીયાને હેમખેમ મુકત કરાવી કાર કબ્જે લીધી હતી. પોલીસે તમામની હાથ ધરેલી પૂછપરછમાં ગત વર્ષે રક્ષાબંધનના તહેવાર સમયે રાજકોટમાં હોલસેલમાં રાખડીનો ધંધો કરતા પિતા-પુત્ર પ્રવિણ ઘેટીયા અને હાર્દીક ઘેટીયા પાસેથી રૂ. 42 લાખનો માલ ખરીદયો હતો. જે પૈકી રૂ. 17 લાખનું પેમેન્ટ યોગેશે ચુકવવાનું બાકી હતું અને આ પૈસાની લેતીદેતીમાં તેઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી. ઉપરાંત ગત નવેમ્બરમાં પ્રવિણ ઘેટીયા ઉઘરાણી કરવા માટે યોગેશના ઘરે પણ ગયો હતો.
કોની કોની ધરપકડ કરવામાં આવી
રાજકોટમાં રાખડીનો હોલસેલમાં વેપાર કરતા પ્રવિણ કાનજી ઘેટીયા (ઉ.વ. 54) અને તેમના પુત્ર હાર્દીક ઘેટીયા (ઉ.વ. 27 બંને રહે. સનરાઇઝ એપાર્ટમેન્ટ, ઉમાભવન શેરી નં. 2, જે.કે. રોડ, રાજકોટ અને મૂળ. બાદનપર, તા. જોડીયા, જામનગર) અને તેમના સાથીદાર પૂજન બિપીન હાંસલીયા (ઉ.વ. 24 રહે. ગેલક્ષી પી.જી. બાલાજી હોલની પાછળ, રીંગરોડ, નાના મોવા, રાજકોટ અને મૂળ. ખજુરડા, તા. જામકંડોરણા, રાજકોટ), જસ્મીન હરીભાઇ ઘેટીયા (ઉ.વ. 34 રહે. અંજટા પાર્ક શેરી નં. 3, યુનિવર્સિટી રોડ, રાજકોટ અને મૂળ. બાદનપર, તા. જોડીયા, જામનગર) અને રાજ ધીરજ માકડીયા (ઉ.વ. 29 રહે. સમન્વય પેલેસ, મોટા મોવા, રાજકોટ અને મૂળ. જામટીંબળી, તા. ઉપલેટા, રાજકોટ)