પ્રેમલગ્ન કરનાર યુવતીનું તેના જ પરિવારજનો દ્વારા અપહરણ
ગોંડલના દેવડા ગામે પતિ તથા પરિવારને મારકૂટ : સમાધાનનાં બહાને આવી બળજબરીથી ઉઠાવી જવાયેલી યુવતીને પોલીસે મુક્ત કરાવીઃ 15 સામે ગુનો દર્જ
ગોંડલ : અમરેલીના ખાંભા પંથકની યુવતીએ ગોંડલના દેવડા ગામે રહેતા પટેલ યુવાન સાથે બે માસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમ સબંધ યુવતીના પરિવારજનોને મંજુર ન હોય ગઈકાલે રાત્રે ચાર ગાડીમાં ૧૫ જેટલા શખ્સો ગોંડલના દેવડા ગામે ધસી આવ્યા હતા અને યુવતીનું અપહરણ કરી તેના પતિ સહિત પરિવારજનોને માર માર્યો હતો. જો કે, સમયસર પોલીસને જાણ થતાં ખાંભા પાસેથી પોલીસે યુવતીને મુક્ત કરાવી યુવતીના માતા-પિતા, સરપંચ સહિત ૧૫ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના દેવડા ગામે રહેતી ભ્રાન્તીબેન અપૂર્વ ગજેરા (ઉ.વ. 24) નામની યુવતીએ સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાલડા ગામે રહેતા યુવતીના પિતા રમેશભાઈ છગનભાઈ સાવલિયા, માતા રેખાબેન રમેશભાઈ સાવલિયા, ગામના સરપંચ રમેશભાઈ જાદવ, કિરણબેન કમલેશભાઈ લીંબાણી, વિલાસબેન અશ્વિનભાઈ સુહાગિયા, વિનુભાઈ કનુભાઈ સાવલિયા, હરેશ ભોળાભાઈ સતાસિયા કમલાબેન પ્રફુલભાઈ સાવલિયા, દયાબેન દલપતભાઈ સાવલિયા, હસમુખ છગનભાઈ સાવલિયા, ભરત હિંમતભાઈ કુંભાણી, ભરત વાલજીભાઈ કુંભાણી, હિતેશ નાગજીભાઈ સાવલિયા અને બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતીને થોડા સમય પહેલા ગોંડલના દેવડા ગામે રહેતા અપૂર્વ મહેશભાઈ ગજેરા નામના પટેલ યુવાન સાથે સોશિયલ મીડિયા થકી પરીચય થતાં બન્ને વચ્ચે પ્રેમ સબંધ પાંગર્યો હતો. બે માસ પહેલા બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા. ત્યાર બાદ યુવતી સાસરિયે રહેવા આવતી રહી હતી.પુત્રીના પ્રેમલગ્નથી નારાજ યુવતીના પરિવારજનોએ ગઈકાલે સવારે ફોન કરી સમાધાન માટે અમે આવી છીએ તેવી જાણ કરી હતી અને ત્યાર બાદ ખાંભાના તાલડા ગામેથી ચાર ગાડીમાં ૧૫ જેટલા શખ્સો ગોંડલના દેવડા ગામે ધસી આવ્યા હતા. યુવતીને પરિવારજનોની હાજરીમાં જ વાળ પકડી ધસડી ગાડીમાં બેસાડી દીધી હતી. આ વખતે યુવતીના પતિ મહેશ, તેની માતા સોનલબેન, બહેન જીધીસા અને પિતા મહેશભાઈ વચ્ચે પડતા યુવતીના પરિવારજનોએ તેમને પણ માર માર્યો હતો.
પતિ સહિતના પરિવારજનોને માર મારી પત્નીને બળજબરીથી ઉપાડી ગયાની યુવાને સુલતાનપુર પોલીસને જાણ કરતા તાત્કાલીક ખાંભા પોલીસને જાણ કરી નાકાબંધી કરાવતા ખાંભા પાસેથી અપહરણ કરાયેલ યુવતીને મુક્ત કરી તેના પરિવારજનોની ખાંભા પોલીસે અટકાયત કરી હતી. આ બનાવની જાણ થતાં સુલતાનપુર પોલીસે યુવતીનો કબ્જો મેળવી તેની ફરિયાદ પરથી ગુનો નોંધી તેના પરિવારજનોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.