રાજકોટમાં અપહૃત બાળકીની માથુ છૂંદી ઘાતકી રીતે હત્યા

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
રાજકોટમાં અપહૃત બાળકીની માથુ છૂંદી ઘાતકી રીતે હત્યા 1 - image


અવાવરૂ જગ્યાએથી નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવી : CCTV કેમેરામાં કેદ પિતાનો મિત્ર શંકાના દાયરામાં : વિરમગામથી સકંજામાં લઇ પૂછપરછ

રાજકોટ, : મુળ યુપીના આંબેડકરનગર જિલ્લાના ઐરોલી ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી રાજકોટના લક્ષ્મીનગર શેરી નં. 2/6 કોર્નર પર રહેતા જગદિશ રામચંદ્ર સોની (ઉ. 34)ની 8 વર્ષની પુત્રી આકાંક્ષા ગઇકાલ મોડી સાંજે ઘર પાસેથી ગાયબ થઇ ગયા બાદ આજે તેની ભકિતનગર રેલ્વે યાર્ડ નજીક આવેલી અવાવરૂ જગ્યામાંથી માથુ છુંદી ઘાતકી રીતે હત્યા કરાયેલી નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. તત્કાળ પોલીસની ટીમો કામે લાગી હતી. સીસીટીવી કૂટેજમાં આકાંક્ષાને લઇને જતો શકમંદ કેદ થઇ ગયો હતો. જેની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે.

પોલીસે સત્તાવાર રીતે રાત્રે 10 વાગ્યા સુધી કોઇ માહિતી જાહેર કરી નથી. પરંતુ સુત્રોના જણાવ્યા પ્રમાણે શકમંદનું નામ મીથીલેશ છે. જે આકાંક્ષાના પિતાનો મિત્ર છે. 

પોલીસ કમિશ્નર, ડીસીપી સહિતના અધિકારીઓએ આકાંક્ષા સાથે અજુગતુ કૃત્ય થયાની માહિતી પ્રાથમિક તપાસમાં  નહીં મળ્યાનું જણાવ્યું હતું. આમ છતાં આવતીકાલે ફોરેન્સીક નિષ્ણાંત તબીબો પોસ્ટમોર્ટમ કરે તે પછી ખરેખર કોઇ અજુગતુ કૃત્ય થયું છે કે કેમ તેની સ્પષ્ટતા થશે તેમ જણાવ્યું હતું.

માલવીયાનગર પોલીસમાં ગઇકાલે રાત્રે આકાંક્ષા ગુમ થયાની જાહેરાત થઇ હતી. લક્ષ્મીનગરમાં આવેલી શાળા નં. 47માં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી આકાંક્ષાના અપહરણ અંગે આજે બપોરે માલવીયાનગર પોલીસે ફરિયાદ નોંધી હતી. આકાંક્ષાના પિતા જગદિશે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સૌથી મોટો પુત્ર આદર્શ ૧૨ વર્ષનો છે, તેનાથી નાની પુત્રી આકાંક્ષા ૮ વર્ષની હતી સૌથી નાની પુત્ર આયુષ ૭ વર્ષનો છે. ગઇકાલે સાંજે તેના આ ત્રણેય બાળકો નિત્યક્રમ મુજબ ઘર બહાર રમતા હતા.

સાંજે 8-30 વાગ્યાની આસપાસ બન્ને પુત્રો ઘરે જમવા આવી ગયા હતા. પરંતુ આકાંક્ષા આવી ન હતી. જેથી તેને શોધવા નિકળ્યા હતાં. આસપાસ ઘણી તપાસ કરી પરંતુ ક્યાંથી પત્તો મળ્યો ન હતો. જેથી માલવીયાનગર પોલીસમાં રાત્રે ગુમ થયાની જાહેરાત કરી હતી. 

આજે બપોરે માલવીયાનગર પોલીસે અપહરણની ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સાંજે ચારેક વાગ્યાની આસપાસ આકાંક્ષાની ભકિતનગર રેલ્વે સ્ટેશન નજીક આવેલા રેલ્વે યાર્ડમાં અવાવરૂ જગ્યામાં ઝાડી- ઝાંખરા વચ્ચેથી માથુ છૂંદી ઘાતકી રીતે હત્યા કરાયેલી નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવી હતી. એક મહિલા આ જગ્યાએ લાકડા વીણવા ગઇ હતી ત્યારે તેણે લાશ જોઇ હતી.

જેથી તત્કાળ રેલવેના સ્ટાફને જાણ કરી હતી. જેમણે જીઆરપી, આરપીએફ વગેરેને જાણ કર્યા બાદ શહેર પોલીસને જાણ થઇ હતી. મામલો અતિ ગંભીર હોવાથી શહેર પોલીસ કમિશ્નર, એડીશ્નલ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાંચ, ઝોન-૨ના ડીસીપી, એસીપી આસપાસના પોલીસ મથકના પીઆઇ અને સ્ટાફના માણસો સ્થળ પર દોડી ગયા હતા.  સ્થળ પર જોતા આકાંક્ષાની  માથુ છૂંદેલી લાશ મળી આવી હતી. બાજુમાંથી જેનાથી હત્યા કરાઇ તે કાળમીંઢ લોહીથી રંગાયેલો પથ્થર મળી આવ્યો હતો. એટલું જ નહીં તેની  પર ચામડી પણ ચોંટી ગઇ હતી. તત્કાળ પોલીસે આકાંક્ષાના પિતા જગદિશને સ્થળ પર બોલાવતા તેણે કપડા વગેરેના આધારે લાશ પોતાની પુત્રીની હોવાનું ઓળખી બતાવ્યું હતું.

ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબીની ટીમો કામે લાગી હતી. સ્થળ નજીકથી સીસીટીવી કુટેજ મળ્યા હતાં. જેમાં આકાંક્ષા એક યુવાન સાથે સહજતાથી જતી હોવાનું દેખાયું હતું. જેના પરથી તે યુવાન પરિચીત હોવાની શક્યતાના આધારે તપાસનો દૌર આગળ ધપાવતા ક્રાઇમ બ્રાન્ચને તે યુવક મીથીલેશ હોવાનું અને તે આકાંક્ષાના પિતાનો મિત્ર હોવાની માહિતી મળી હતી. 

તત્કાળ ક્રાઇમ બ્રાન્ચે મીથીલેશની તપાસ કરતાં ટ્રેઇનમાં બેસી રવાના થઇ ગયાની માહિતી મળી હતી. જેના આધારે તેને સંભવતઃ રેલ્વે પોલીસની મદદથી વિરમગામથી સકંજામાં લેવાયો હતો. જો કે પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દૌર આગળ ધપાવી બીજા શકમંદોની પણ પૂછપરછ જારી રાખી છે.


Google NewsGoogle News