લાખોની રકમના હિસાબ અંગે પોલીસે બેંક પાસે ડિટેઇલ મંગાવી: અડાજણના યુવાનનું મોપેડ સાથે અપહરણ કરી રૂ. 10 લાખની લૂંટમાં વધુ એક પકડાયો
- મિત્રના કહેવાથી સિટીલાઇટના બિસ્મીલ્લા જ્યુસ સેન્ટરનો માલિક રૂપિયા લેવા ગયો ત્યારે ત્રણ જણાએ લૂંટી લીધો હતો, અગાઉ બે પકડાયા છે
સુરત
અડાજણના મધુવન સર્કલ-ગ્રીનસિટી રોડ ઉપરથી સિટીલાઇટના બિસ્મીલ્લા જ્યુસ સેન્ટરના માલિકનું તેના જ મોપેડ ઉપર માસ્કધારી યુવાને અપહરણ કર્યા બાદ પાલ ગૌરવ પથ ઉપર લઇ જઇ માર મારી રૂ. 10 લાખની લૂંટની ઘટનામાં વોન્ટેડ લૂંટારૂને ખટોદરા પોલીસે ઝડપી પાડી અડાજણ પોલીસને હવાલે કર્યો છે.
શહેરના સિટીલાઇટ રોડ અશોક પાન સેન્ટર સામે બિસ્મીલ્લાહ જ્યુસ સેન્ટર નામે કોલ્ડ્રીંક્સની દુકાન ધરાવતો ફૈઝાન ઇમરાન જાલીયાવાલા દસ દિવસ મિત્ર નવાઝ આઝારીના કહેવાથી સંજુ ખુરાના પાસેથી રૂ. 10 લાખનું પેમેન્ટ લેવા પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઇ બેંક ખાતે ગયો હતો. જયાં સંજુની બહેન પાસેથી રૂ. 5 લાખ લીધા બાદ બાકીના રૂ. 5 લાખ અડાજણના એલ.પી. સવાણી સર્કલ નજીક પેટ્રોલપંપ પાસેથી લઇ મોપેડની ડિક્કીમાં મુકી તેઓ એલ.પી. સવાણી રોડના મધુવન સર્કલ નજીક સિગારેટ પીવા ગયા હતા. જયાંથી ફૈઝાન મોપેડ લઇને નીકળ્યો ત્યારે માસ્કધારી યુવાન ફિલ્મી સ્ટાઇલમાં સામે ઉભા રહી ધાક-ધમકી આપી મોપેડ ઉપર બેસી અપહરણ કરી પાલ ગૌરવ પથ ઉપર લઇ જઇ માર મારી રૂ. 10 લાખ લૂંટી લીધા હતા. આ ઘટનામાં જે તે વખતે અડાજણ પોલીસે રૂ. 10 લાખ આપ્યા બાદ મિત્રોની મદદથી લૂંટી લેનાર સંજુ રાજેશ ખુરાના અને રાકેશ સુધામ ચૌધરીની ધરપકડ કરી હતી. જયારે ભાગતા ફરતા તેઓના સાથીદાર વિશાલ ઉર્ફે વિક્કી પચ્ચીસ સંજય વાનખેડે (ઉ.વ. 23 રહે. સુમન સંજીવની આવાસ, ભીમરાડ ચેક પોસ્ટ સામે, અલથાણ અને મૂળ. મોંઢાડ, તા. જલગાંવ, ધુલીયા, મહારાષ્ટ્ર) ને ખટોદરા પોલીસે ઝડપી પાડી અડાજણ પોલીસને હવાલે કર્યો છે. બબઉલ્લેખનીય છે કે સંજુ ખુરાનાએ કયા વ્યવહાર પેટે રૂ. 10 લાખ નવાઝના આપ્યા હતા તે અંગેની તપાસ માટે હાલમાં પોલીસે બેંક પાસે ડિટેઇલ મંગાવવામાં આવી છે અને તે આવ્યા બાદ બેનંબરી વ્યવહાર છે કે પછી ધંધાકીય લેવડ-દેવડ છે તેની સ્પષ્ટતા થશે.