અડાજણના એલ.પી. સવાણી રોડની ઘટના: યુવાનનું તેના જ મોપેડ ઉપર અપહરણ કરી માર મારી રોકડા રૂ. 10 લાખ, મોપેડની લૂંટ
- અડાજણના મધુવન સર્કલ પાસેથી માસ્કધારી લઇ ગયાઃ રસ્તામાં બે સાથીદાર મોપેડ ઉપર પાછળ આવ્યા અને ગૌરવ પથ પર માર મારી લૂંટાયો
- ફૈઝાન જાલીયાવાલા સિટીલાઇટના જ્યુસ સેન્ટરનો માલિક મિત્રના કહેવાથી પાલનપુર જકાતનાકા સહિત બે સ્થળેથી પેમેન્ટ પેટે રોકડ લઇ નીકળ્યો હતો
સુરત
મિત્રના કહેવાથી પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઇ બેંક પાસે રૂ. 10 લાખનું પેમેન્ટ લેવા આવેલા સિટીલાઇટ ખાતે બિસ્મીલ્લાહ જ્યુસ સેન્ટરનો માલિકને માસ્કધારી લૂંટારૂએ ધાક-ધમકી આપી તેના જ મોપેડ ઉપર અન્ય બે મોપેડ સવાર મિત્ર સાથે અપહરણ કરી ચારથી પાંચ કિલોમીટર ફેરવ્યા બાદ પાલ ગૌરવ પથ ઉપર બાગબાન સર્કલ પાસે લઇ જઇ માર મારી રોકડ અને મોપેડ લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસ દોડતી થઇ ગઇ છે.
શહેરના સિટીલાઇટ રોડ અશોક પાન સેન્ટર સામે બિસ્મીલ્લાહ જ્યુસ સેન્ટર નામે કોલ્ડ્રીંક્સની દુકાન ધરાવતો ફૈઝાન ઇમરાન જાલીયાવાલા (ઉ.વ. 20 રહે. જીલાની કોમ્પ્લેક્ષ, અડાજણ પાટિયા, સુરત) ગત રોજ બપોરના અરસામાં મિત્ર નવાઝ આઝારીના કહેવાથી સંજુ ખુરાના પાસેથી રૂ. 10 લાખનું પેમેન્ટ લેવા પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઇ બેંક ખાતે ગયો હતો. જયાં સંજુની બહેન મેઘા ખુરાનાએ રૂ. 5 લાખ આપ્યા હતા અને બાકી રૂ. 5 લાખ માટે સંજુએ અડાજણના એલ.પી. સવાણી સર્કલ નજીક પેટ્રોલપંપ પાસે બોલાવ્યો હતો. જેથી ફૈઝાન પેટ્રોલપંપ પાસે સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલને મળ્યો હતો અને બાકી રૂ. 5 લાખ લઇ કુલ રૂ. 10 લાખ મોપેડની ડિક્કીમાં મુકયા હતા.
ત્યાર બાદ સંજુ ફૈઝાનનો પણ મિત્ર હોવાથી તેઓ એલ.પી. સવાણી રોડના મધુવન સર્કલ નજીક સિગારેટ પીવા ગયા હતા. જયાંથી ફૈઝાન મોપેડ લઇને નીકળ્યો હતો ત્યારે મોંઢા ઉપર માસ્કધારી યુવાન ફિલ્મી સ્ટાઇલમાં સામે ઉભા રહી ધાક-ધમકી આપી મોપેડ ઉપર બેસી ગયો હતો. માસ્કધારી યુવાને મોપેડ હંકાર્યુ અને ફૈઝાનને પાછળ બેસાડી એલ.પી. સવાણી સર્કલ થઇ પાલ ગૌરવ પથ તરફ લઇ ગયા હતા. જયાં રસ્તામાં એક્ટીવા ઉપર બે અજાણ્યા પણ તેમની પાછળ આવ્યા હતા અને વીફોરયુ સર્કલથી ગૌરવ પથ થઇ બાગબાન સર્કલ લઇ ગયા હતા. જયાં મોપેડ ઉભું રાખી ધોલધપાટ કરી ધક્કો મારી બુમાબુમ કરશે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ફૈઝાનનું મોપેડ નં. જીજે- 5 પીકે-7000 અને રોકડા રૂ. 10 લાખ લઇને ભાગી ગયા હતા. ઘટના અંગે ફૈઝાને તુરંત જ તેના મિત્રને જાણ કર્યા બાદ તુરંત જ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પેમેન્ટ આપનાર ગારમેન્ટ વેપારી સંજુ ખુરાના જ લૂંટનો માસ્ટર માઇન્ડ
મિત્રના કહેવાથી રૂ. 10 લાખનું પેમેન્ટ લેવા આવનાર ફૈઝાન જાલીયાવાલાનું તેના જ મોપેડ ઉપર અપહરણ કરી માર મારી લૂંટ કરવાના પ્રકરણમાં પોલીસે પેમેન્ટ આપનાર અડાજણ વિસ્તારમાં રેડીમેઇડ ગારમેન્ટની દુકાન ધરાવતા ગારમેન્ટ વેપારી સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માસ્કધારી સહિત અન્ય બે લૂંટારૂની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં સંજુ ખુરાનાએ જ રૂ. 10 લાખ ફૈધાન જાલીયાવાલાને નવાઝ આઝારીના કહેવાથી આપ્યા હતા તે કઇ બાબતના હતા તે અંગે જો પોલીસ તપાસ કરે તો મોટું ભોપાળું બહાર આવે તેમ છે.