Get The App

મેક્સિકો બોર્ડરથી ખુશ્બૂની ધરપકડ થઇ હતી, 14 દિવસથી ડિટેન્શન કેમ્પમાં હતી

પાદરા તાલુકાના લુણાની ખુશ્બૂ સાથે ખોફનાક અપરાધી જેવો વ્યવહાર કરાયો

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
મેક્સિકો બોર્ડરથી ખુશ્બૂની ધરપકડ થઇ હતી, 14 દિવસથી ડિટેન્શન કેમ્પમાં હતી 1 - image


પાદરા : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી ખુશ્બુ જયંતિભાઇ પટેલ આજે સવારે પોતાના વતન પાદરા તાલુકાના લુણા ગામે પોતાના ઘરે આવી પહોંચી ત્યારે તેનો પરિવારના આંખમાં આંસુ જોવા મળ્યા હતા. મોઢા ઉપર માસ્ક અને હુડી જેકેટ પહેરીને આવેલી ખુશ્બૂએ મીડિયા સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને ઘરમાં જતી રહી હતી. 

હાથ પગમાં બેડી બાંધેલી હાલતમાં જ પ્લેનમાં 40 કલાક મુસાફરી કરી,વોશરૃમ જવાની પણ મનાઇ હતી

ખુશ્બૂના ભાઈ વરુણ પટેલ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે 'ખુશ્બૂ તો તેના ફ્રેન્ડ્સ સાથે યુરોપ ફરવા ગઇ હતી. ત્યાંથી તે મેક્સિકો ગઇ હતી અને અમેરિકાની બોર્ડર પાસે આવેલા મેક્સિકોના સિટી તિજુઆના. આ સિટી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની સરહદ પાસે આવેલુ છે. અહી બોર્ડર પર અમેરિકન બોર્ડર પોલીસે ૧૪ દિવસ પહેલા ખુશ્બૂની ધરપકડ કરી હતી અને તેને સરહદ પાસે આવેલા સાન ડિએગો સિટીના ડિટેન્સન  કેમ્પ (જેલ)માં રાખવામાં આવી હતી. જેલમાં બધાને હાથ-પગમાં બેડીઓ  બાંધીને રાખવામાં. દિવસમાં એક વખત અડધો કલાક બેડીઓ ખોલવામાં આવતી હતી. ડિટેન્સન સેન્ટરમાંથી ચાર દિવસ પહેલા તમામ ભારતીયોને સેંટ ઓન્ટોનિયો એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યા હતા અને બેડી બાંધેલી હાલતમાં જ અમેરિકન સૈન્યના કાર્ગો વિમાનમાં ગુલામોની જેમ  ભરી દેવામાં આવ્યા હતા. ૪૦ કલાક દરમિયાન ખાવાનું પણ નહીવત અપાયુ હતું. વોશરૃમનો ઉપયોગ કરવાની પણ મનાઇ હતી. અમૃતસર ઉતર્યા બાદ બેડીઓ ખોલવામાં આવી હતી. અમૃતસર પોલીસે ખુબ સપોર્ટ કર્યો હતો.' 

ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ખાસ વિમાન દ્વારા લવાયેલા ભારતીયોને પંજાબના અમૃતસર ખાતે ઉતારવામાં આવ્યા હતા. જ્યાં એક દિવસની ઇન્ક્વાયરી બાત તમામને પોતાના વતન રવાના કરાયા હતા. ગુજરાતીઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને ત્યાંથી પાદરા પોલીસ ખુશ્બુ પટેલને સુરક્ષા હેઠળ પાદરા લાવી હતી અહી પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું જે બાદ ખુશ્બૂને લુણા ખાતે તેના ઘરે પહોંચાડી હતી.

ખુશ્બૂ યુરોપ ફરવા ગઇ હતી તો મેક્સિકો બોર્ડર કઇ રીતે પહોંચી 

ખુશ્બૂના ભાઇ વરૃણ સાથે થયેલી વાતચીત મુજબ ખુશ્બૂના લગન એક વર્ષ પહેલા અમદાવાદના યુવક સાથે થયા હતા. ખુશ્બુનો પતિ હાલમાં અમેરિકામાં જ રહે છે. જો કે વરૃણનું કહેવું છે કે ખુશ્બૂ મિત્રો સાથે યુરોપ ફરવા ગઇ હતી તો પછી સવાલ એ ઉભો થાય છે કે યુરોપમાંથી ખુશ્બૂ મેક્સિકો બોર્ડર કઇ રીતે પહોંચી અને મેક્સિકોમાંથી અમેરિકામાં પ્રવેશતી વખતે તે પકડાઇ છે તો તેણે ક્યા એજન્ટ મારફતે અમેરિકામાં ઘુસવા માટે પ્રયત્નો કર્યા હતા અને તે માટે કેટલા રૃપિયા ખર્ચ થયો હતો તે અંગેની કોઇ માહિતી વરૃણ આપી શક્યો નહતો.

અમેરિકામાંથી ડિપોર્ટ કરેલ એશા પટેલ અમદાવાદમાં રહે છે અંકલેશ્વરમાં તો તેનું મોસાળ છે

અંકલેશ્વર : અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોમાં ૩૩ ગુજરાતીઓ પૈકી એક નામ અંકલેશ્વરની એશા ધીરજકુમાર પટેલ પણ હતું. એશાનું એડ્રેસ શોધવા માટે બે દિવસથી અંકલેશ્વર પોલીસ અને સ્થાનિક આગેવાનોએ દોડાદોડી કરી હતી પરંતુ પતો લાગ્યો નહતો. છેલ્લે જાણકારી એવી મળી હતી કે એશા પટેલનું મોસાળ અંકલેશ્વરમાં છે પરંતુ તેનો પરિવાર તો અમદાવાદમાં રહે છે.

અમેરિકાથી બે દિવસ અગાઉ ડિપોર્ટ કરાયેલ વ્યક્તિઓમાં અંકલેશ્વરની એશા ધીરજકુમાર પટેલનો સમાવેશ થયો હતો. જેનો અંકલેશ્વર ચૌટા બજારમાં આવેલા પારેખ ફળિયામાં જન્મ થયો હોવાની વિગતો બહાર આવી હતી.તેમજ પારેખ ફળિયુ તેણીનુ મોસાળ હતુ.આજે સવારે એવી વાત વહેતી થઇ હતી કે પોલીસની એક ટુકડી યુવતી અને તેના પિતાને અંકલેશ્વર લાવી રહી છે. જો કે પોલીસ સ્ટેશનમાં આખો દિવસ કોઇ આવ્યુ નહતું. એવી ચર્ચા છે કે અંકલેશ્વર પોલીસે મીડિયાથી વાત છુપાવવા માટે પાછલા બારણેથી એશાને લાવીને પુછપરછ કરીને પરત અમદાવાદ મોકલી આપી છે. પોલીસ સાથે વાત કરતા પોલીસે આ મામલો મૌન સેવી લીધુ હતું.બીજી તરફ એશાના મોસાળ એવા અંકલેશ્વરના પારેખ ફળિયાના રહીશો પણ આ મામલે કશુ કહેવા તૈયાર નહતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની બરોબર બાજુમાં આવેલા પારેખ ફળિયામાં તેણીનુ મુળ હોવા છતાં અંકલેશ્વર કે ભરૃચ જિલ્લા પોલીસના અધિકારીઓનો સંપર્ક કરાયા છતા કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નહોતી.


Google NewsGoogle News