અટકળોનો અંત : હાલ પૂરતું રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ

Updated: Jun 16th, 2022


Google NewsGoogle News
અટકળોનો અંત : હાલ પૂરતું રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ 1 - image


- ખોડલધામ પ્રોજેક્ટને આગળ વધારવા કામ કરીશ, વડીલોની સલાહ માન્ય રાખીઃ નરેશ પટેલ

- નરેશ પટેલે ખોડલધામ પોલિટિકલ એકેડમી શરૂ કરવાની જાહેરાત કરી

રાજકોટ, તા. 16 જૂન 2022, ગુરૂવાર

છેલ્લા 6 મહિનાથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે વિવિધ અટકળો ચાલી રહી હતી. ત્યારે આજે આખરે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. નરેશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતે હાલ પૂરતું રાજકારણમાં જોડાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાની જાહેરાત કરી છે. 

નરેશ પટેલે જણાવ્યું કે, તેઓ ખોડલધામ પ્રોજેક્ટને આગળ વધારવા માટે કામ કરશે. નરેશ પટેલના કહેવા પ્રમાણે વડીલો દ્વારા જે સલાહો આપવામાં આવી તેને માન્ય રાખીને તેમણે હાલ પૂરતું રાજકારણમાં ન જોડાવવાનો નિર્ણય લીધો છે. નરેશ પટેલે ખોડલધામ પોલિટિકલ એકેડમી શરૂ કરવાની જાહેરાત કરી છે. 

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું કે, કોઈ પણ પક્ષને સપોર્ટ કરવાનો તેમનો કોઈ જ એજન્ડા નથી. વડીલો મને રાજકારણમાં જોડાવવાની સંપૂર્ણપણે ના પાડે છે. જોકે 80 ટકા યુવાનો તથા 50 ટકા મહિલાઓ હું રાજકારણમાં જોડાઉં તેમ ઈચ્છે છે. 

અટકળોનો અંત : હાલ પૂરતું રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ 2 - image

આ સાથે જ નરેશ પટેલે કહ્યું હતું કે, સમય અને સંજોગો શું કરાવે તે કહી ન શકાય. તેમનું આ નિવેદન તેમના ભવિષ્યમાં રાજકારણમાં જોડાવા અંગે હજું પણ શક્યતા દર્શાવતું હોવાનું સૂચક માની શકાય તેમ છે. 

નરેશ પટેલે ખોડલધામ કાગવડ ખાતે ટ્રસ્ટીઓ સાથે એક બંધબારણે બેઠક યોજી હતી અને ત્યાર બાદ પત્રકાર પરિષદમાં પોતે રાજકારણમાં જોડાવવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો હોવાની જાહેરાત કરી હતી.  

ગત રોજ વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો અને ટ્રસ્ટીઓની એક બેઠક યોજાઈ હતી. સરકાર સામેની વિવિધ માગણીઓને અનુસંધાને યોજાયેલી તે બેઠકમાં પાટીદાર સમાજના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. તે બેઠકમાં નરેશ પટેલ હાજર રહેવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ તેઓ ન દેખાતાં તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. 


Google NewsGoogle News