ગાંધીનગરમાં PTના દાવ કરી વ્યાયામ શિક્ષકોએ દર્શાવ્યો વિરોધ, પોતાની માગ પર ખેલ સહાયકો અડગ
Khel Sahayak Protest in Gandhinagar : ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વ્યાયામ વીરોનું કહેવું છે કે, રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જેથી સરકારે કરાર આધારિત ભરતી બંધ કરીને કાયમી ધોરણે ભરતી કરવામાં આવે. ગાંધીનગરમાં ખેલ સહાયકોના વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આજે ગુરુવારે (27 માર્ચ, 2025) પોતાની માગ સાથે અડગ રહેલા વ્યાયામ વીરોએ PTના દાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
PTના દાવ કરીને વ્યાયામ વીરનો વિરોધ
ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી 500થી વધુ વ્યાયામ વીરો 11 મહિનાના કરાર આધારીત ખેલ સહાયકની ભરતી બંધ કરવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે વ્યાયામ વીરો શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે ગઈકાલે બુધવારે (26 માર્ચ, 2025) વ્યાયામ શિક્ષકોએ વિધાનસભા તરફ આગેકૂચ કરતાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે આજે ગુરુવારે (27 માર્ચ, 2025) વ્યાયામ વીરોએ PTના દાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ખેલ સહાયકોએ 'કરાર પ્રથા બંધ કરો, વ્યાયામ શિક્ષકોની ભરતી કરો, હમારી માગે પૂરી કરો...'ના નારા લગાવીને કસરત અને PTના દાવ કરતાં જોવા મળ્યા હતા.
3100થી વધુ જગ્યાઓ ખાલી
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ(SAT)ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 5,000 જેટલી ખાલી જગ્યાઓમાં બેચલર ઑફ ફિઝિકલ એજ્યુકેશન(BPE), BPED, MPED-MPEનો અભ્યાસ પૂર્ણ કરેલા લાયક ઠરતાં 1,700 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા. 1465 ખેલ સહાયકોને રિન્યુ કર્યા હતા. જ્યારે 3100થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં આંદોલન કરતા વ્યાયામ વીરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, ઢસડી-ટિંગાટોળી કરી વેનમાં નાખ્યા
ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરાતી
વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોનો દાવો છે કે 'તેઓ છેલ્લા એક વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે, અનેક આવેદન પત્ર આપ્યા છતાં ઠરાવમાં કોઈ સુધારા કે નિરાકરણ લાવવામાં નથી આવતું, અને કાયમી કરવામાં નથી આવતા, જેથી આજે ગાંધીનગરમાં રેલી સ્વરૂપે આવીને માંગ કરી રહ્યા છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી જ નથી. જેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે'.
આ પણ વાંચો: વ્યાયામ શિક્ષકોની આપવીતી: 'નેતાઓ રિબનો કાપે છે અને અમે 45 ડિગ્રી ગરમીમાં આંદોલન...'
કરાર આધારિત નોકરીમાં પણ પગારના ધાંધિયા
વ્યાયામ વીરોએ જણાવ્યું હતું કે, 'હાલ ગુજરાતભરના ખેલ સહાયકોને છૂટા કરવામાં આવ્યા છે. જ્યારે રિન્યુની પ્રોસેસમાં ફરીથી ફોર્મ ભરવાના, સ્થળ પસંદગી કરીને મેરિટમાં નામ આવે ત્યાં સુધી બે મહિના સુધી બેસી રહેવાનું. આ સાથે ખેલ સહાયક તરીકે ફરજ બજાવતી વખતે શિયાળું અને ઉનાળું વેકેશનના બે મહિનાનો પગાર પણ મળતો નથી. આમ ખેલ સહાયકમાં કુલ 7-8 મહિનાનો જ પગાર અપાયો છે, એમાં પણ ચૂકવણીમાં ધાંધિયા કરવામાં આવે છે.'