કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીનો મુખ્યમંત્રીનો આદેશ, સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આંદોલન સ્થગિત
Khel Sahayak and CM Meeting in Gandhinagar : ગાંધીનગરમાં છેલ્લા એક મહિનાથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વ્યાયામ શિક્ષકોની માગોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ગુરુવારે (17 એપ્રિલ, 2025) આંદોલનકારી વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મુખ્યમંત્રીએ કમિટીને આદેશ કર્યા છે. આ દરમિયાન જ્યાં સુધી ભરતીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં નહી આવે ત્યાં સુધી વ્યાયામ શિક્ષકોએ આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ
ગુજરાત સમાચાર ડિઝિટલ સાથે વાત કરતાં વ્યાયામ વીરે જણાવ્યું હતું કે, 'ગાંધીનગરમાં છેલ્લા 32 દિવસથી વ્યાયામ શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આજે ગુરુવારે વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિક્ષણ વિભાગના સચિવ સહિતના અધિકારી અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મુખ્યમંત્રીએ કમિટીને આદેશ કર્યા છે. ટૂંક સમયમાં ભરતીની જાહેરાત કરાશે. આગામી સમયમાં ભરતી પ્રક્રિયાને લઈને બે-ત્રણ બેઠકો યોજાશે. જેમાં છેલ્લા 15 વર્ષથી ભરતી નથી, ત્યારે કઈ રીતે ભરતી હાથ ધરવી તેને લઈને નિર્ણય લેવાશે.'
32 દિવસ બાદ આંદોલન સ્થગિત
રાજ્યભરમાંથી વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં આંદોલન પર ઉતર્યા હતા, ત્યારે રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતીની માગને લઈને આજે ગુરુવારે મુખ્યમંત્રીની સાથે વ્યાયામ શિક્ષકોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વ્યાયામ વીરોની કાયમી ભરતીને લઈને મુખ્યમંત્રીએ આદેશ કર્યા છે, ત્યારે 32 દિવસ બાદ આંદોલન સ્થગિત કરવાનો વ્યાયામ શિક્ષકોએ નિર્ણય કર્યો છે. વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે, 'મુખ્યમંત્રી ભરતીને લઈને હકારાત્મક પ્રતિક્રિયા આપી છે. આમ જ્યા સુધી કાયમી ભરતીની જાહેરાત કરવામાં નહી આવે ત્યા સુધી આંદોલન સ્થગિત રહેશે.'
વ્યાયામ વીરોની અટકાયતની એ ક્ષણ...
ગાંધીનગરમાં એક મહિના પહેલા આંદોલનમાં ઉતર્યા બાદ વ્યાયામ વીરોએ પોતાની માંગને રજૂ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. કાળઝાળ ગરમીમાં મહિલાઓ સહિત આંદોલન કરી રહેલા વ્યાયામ વીરોની પોલીસ દ્વારા કરાયેલી અટકાયતમાં જોવા મળેલા દ્રશ્યોએ લોકોને હચમચાવી દીધા હતા. છેલ્લા એેક મહિનામાં અનેક વખત પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી પરંતુ પોતાની માંગણીને લઈને વ્યાયામ વીરો અડગ રહ્યા. અંતે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઈ અને વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને હકારાત્મક નિર્ણય લેવાશે તેવી આશા બંધાઈ છે.
PTના દાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો
ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી 500થી વધુ વ્યાયામ વીરો 11 મહિનાના કરાર આધારીત ખેલ સહાયકની ભરતી બંધ કરવા અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આંદોલન ચાલ્યું. ગાંધીનગર ખાતે વ્યાયામ વીરો શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવતી વખતે વ્યાયામ વીરોએ PTના દાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ખેલ સહાયકોએ 'કરાર પ્રથા બંધ કરો, વ્યાયામ શિક્ષકોની ભરતી કરો, હમારી માગે પૂરી કરો...'ના નારા લગાવીને કસરત અને PTના દાવ કરતાં જોવા મળ્યા હતા.